ફ્લેટના ગ્રાહકોના રક્ષણ માટે કાયદો

ફ્લેટના ગ્રાહકોના રક્ષણ માટે કાયદો
મુંબઈ, તા. 21 : કબજો મળે તેની રાહ જોતાં ઘર ખરીદનારાં માટે ખુશીના સમાચાર એ છે કે હવે રાજ્યમાંના ડૅવલપર્સે કબજો આપવા માટે આપેલી તારીખ-મુદત મુજબ તેમ કરવાની તૈયારી રાખવી પડશે અને તેમાં નિષ્ફળ જનારાં કાયદાના સપાટામાં આવી જશે.

આ દિશામાં અમલ માટે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડૅવલપમેન્ટ) ઍક્ટ, 2016 તૈયાર થઈ ગયો છે અને આજે તે નોટિફાઈડ થશે. આથી રાજ્યમાં ચાલુ પ્રોજેક્ટો કે જે માટે ઓક્યુપેશન સર્ટિફિકેટ અથવા કમ્પલેશન સર્ટિફિકેટ હજી મળ્યા નથી તેવા પ્રોજેક્ટો કે તેના ડૅવલપર્સ આ કાયદાના સત્તાધિકાર હેઠળ આવશે, કારણ કે વેચાણ ફલેટો ઉપરાંત બધાં જ પ્રોજેક્ટો હાઉસિંગ રેગ્યુલેટરી અૉથોરિટીમાં રજિસ્ટર કરવાના રહેશે. આ અૉથોરિટી પહેલી મેથી કામગીરી બજાવવાનું શરૂ કરી દેશે.

બીલ્ડરો - ડૅવલપર્સ માટે હવે પ્રોજેક્ટ સમયસર પૂરો કરવાનું ફરજિયાત બનશે. આ સાથે બાકી પ્રોજેક્ટ પૂરા કરવાના સમયગાળાની પણ ડૅવલપર કે પ્રમોટરે જાહેર કરવાનો રહેશે અને આ મુદતમાં તે નિષ્ફળ જશે તો સામે પગલાં લેવાશે. આ મુદત વધારવાનું સંબંધિત અૉથોરિટીને છૂટ આપવામાં આવી છે, પણ આ પહેલાં અૉથોરિટીએ ફ્લેટ ખરીદદારોને તથા તેમાં હિત ધરાવતી અન્ય પાર્ટીઓને તેની જાણ કરવાની રહેશે. મુંબઈ તથા આસપાસના શહેરોમાં ફ્લેટોનો કબજો આપવાની અને બાંધકામમાં વિલંબની અનેક ઘટના બનતી રહે છે.

ડૅવલપર્સે તેના પ્રોજેક્ટ રજિસ્ટર્ડ કરવાના તેમ જ ઓનલાઈન પર મૂકવાના રહેશે. અન્યથા વેચાણ નહીં કરી શકે. ઉપરાંત મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી ફ્લેટ ખરીદનારના નાણાંની જવાબદારી બીલ્ડરના શિરે રહેશે જે તે પૈસા તે અન્ય પ્રોજેક્ટમાં વાળી શકાશે નહીં. આમ બીલ્ડર આપેલી મુદતમાં કબજો સોંપી નહીં શકે તો તે કાયદાકીય આંટીઘૂંટી તળે દંડના પાત્ર બની રહેશે.

આમ પ્રોજેક્ટના વેચાણ કે કબજા આપવાના મુદ્દે આ ઍક્ટ હેઠળ સ્પષ્ટ રીતે ખરીદનારના હિતની રક્ષા કાજે જોગવાઈઓ રખાઈ છે. તેમાં એક એ પણ છે કે ધર્મ, જાત અથવા અન્નની આદતોની આડમાં ઘર આપવાનો ઇન્કાર કરવો એક ગુના સમાન બની જશે. આમ સોદામાં ભેદભાવ રાખવાનો વિરોધ કરાયો છે. આ ઍક્ટ હેઠળ ઘર ખરીદનારને રોકાણ માટે ઉત્તેજન મળશે જેથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે માગ વધવાની ગુંજાઈશ ઊભી થશે. તેમ જ સમયસર કબજો આપવાનું ડૅવલપર્સમાં માનસ વધશે. બીલ્ડરો તેના કમિટમેન્ટનું પાલન નહીં કરે તો ફ્લેટ બાયર્સને કમ્પેનસેશન અથવા દંડ ચૂકવવાનો રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer