ફાઈનલમાં પહોંચવા કોલકાતા અને મુંબઇની આજે ટકકર

બેંગ્લુરુ, તા.18: પરંપરાગત હરીફ મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ આઇપીએલ-10ના ફાઇનલમાં પહોંચવા આવતીકાલ શુક્રવારે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આમને-સામને હશે. ત્યારે વરસાદગ્રસ્ત કવોલીફાયર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ડકવર્થ-લૂઇસ નિયમથી જીત મેળવનાર કોલકતાની ટીમનો ઇરાદો લીગ મેચમાં મુંબઇ સામે મળેલી બે હારનો બદલો લઇને ખિતાબી જંગમાં પહોંચવાનો રહેશે. મુંબઇને પહેલા કવોલીફાયર મેચમાં પૂણે સામે 20 રને હાર મળી હતી. આ કારણે જ રોહિત શર્માના સુકાનીપદ હેઠળની મુંબઇની ટીમને બીજા કવોલીફાયર મેચમાં રમવાની ફરજ પડી છે. આવતીકાલે રમાનાર આ મેચના વિજેતા ટીમની ફાઇનલમાં રવિવારે પૂણે સુપરજાયન્ટસ સામે ટકકર થશે.

  આ નિર્ણાયક મેચમાં મુંબઇની ટીમમાં નીતિશ રાણાની વાપસી થઇ શકે છે. તે લીગ મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ચૂકયો છે. અનુભવી અંબાતિ રાયડૂની વાપસી બાદ રાણાને ઇલેવનમાં જગ્યા મળી નથી. મુંબઇનો આધાર સિમન્સ, પાર્થિવ, સુકાની રોહિત, પોલાર્ડ અને પંડયાબંધુ પર વધુ રહેશે. આ સામે કેકેઆરની નજર તેના સ્ટાર બેટધરો લિન, સુકાની ગંભીર, મનીષ પાંડે, રોબિન ઉથપ્પા અને ઓપનિંગમાં આવીને ફટકાબાજી કરતા સુનિલ નારાયણ પર રહેશે. કેકેઆર માટે સારી વાત એ છે કે તેનો ફાસ્ટ બોલર કોલ્ટર નાઇલ ઇજા બાદ વાપસી કરી ચૂકયો છે અને નોકઆઉટ મેચમાં તેણે હૈદરાબાદ સામે 3 વિકેટ લઇને મેન ઓફ ધ મેચ બન્યો હતો. કોલકતા પાસે આ ઉપરાંત ઉમેશ યાદવ, ટ્રેંટ બોલ્ટ, પિયૂષ ચાવલા અને નારાયણ જેવા સારા બોલર છે. મેચ શુક્રવારે રાત્રે 8-00 વાગ્યાથી શરૂ થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer