ગંભીરની ઇનિંગથી હૈદરાબાદ સામે કોલકાતાનો વિજય

છ ઓવરમાં 48 રનના વિજયી લક્ષ્યાંકનો રોમાંચ મોડી રાત્રિ સુધી ચાલ્યો

બેંગ્લુરુ, તા.18: આઇપીએલ-10ના ગઇકાલે રમાયેલા વરસાદગ્રસ્ત ક્વોલીફાયર મેચમાં ગત ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોલકતા નાઇટ રાઇડર્સનો ડકવર્થ-લૂઇસ નિયમથી 7 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 128 રનનો સમાન્ય સ્કોર નોંધાવ્યો હતો. આ પછી વરસાદનું વિઘ્ન સજાર્યું હતું. આથી કોલકતાની ઇનિંગ મોડી રાત્રે 1-00 વાગ્યા બાદ શરૂ થઇ હતી અને તેને 6 ઓવરમાં 48 રનનું વિજયી લક્ષ્યાંક મળ્યું હતું.

આ સામે કોલકતાનો પ્રારંભ નબળો રહ્યો હતો અને 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઉથપ્પા (0), લીન (6) અને યુસુફ પઠાણ (6) આઉટ થયા હતા. રસાકસી વચ્ચે સુકાની ગૌતમ ગંભીરે 19 દડામાં 2 ચોક્કા અને 2 છક્કાની મદદથી અણનમ 32 રન કરીને કોલકતાને જીત અપાવી હતી. કેકેઆરે ચાર દડા બાકી રાખીને પ.2 ઓવરમાં 48 રન કરી લીધા હતા. આથી હૈદરાબાદની આઇપીએલ-10ની સફર સમાપ્ત થઇ ગઇ હતી. જ્યારે કોલકતાએ હવે ફાઇનલમાં પહોંચવા મુંબઇ સામે રમવાનું રહેશે. મેચ મોડી રાત્રે 1-30 વાગ્યે સમાપ્ત થયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer