નફારૂપી વેચવાલીથી સેન્સેક્ષ 223 પૉઈન્ટ ઘટયો

ટેક્નિકલ કરેકશન પછી બજાર પુન: મજબૂત થવાની ધારણા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : શૅરબજારમાં ઘણા વખતથી ઝળુંબી રહેલું ટેક્નિકલ કરેકશન આજે શરૂ થયું જણાય છે. વૈશ્વિક રાજકીય અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરના ભાવમાં નબળાઈને પગલે સ્થાનિક શૅરબજારમાં નફાતારવણી વધી હતી. જેથી બીએસઈ સેન્સેક્ષ આજે શરૂઆતથી જ ઘટાડે ખૂલ્યા પછી સતત નીચે કવોટ થઈને દિવસને અંતે 223 પૉઈન્ટ ઘટીને 30434 બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ અને નિફટી-50 96 પૉઈન્ટના ઘટાડે 9429 બંધ રહ્યો હતો. આમ નિફટીએ આજે 9500ની સપાટી ગુમાવી હતી.

રૂપિયાના મૂલ્યમાં આવેલી છ અઠવાડિયાની સૌથી મોટી નબળાઈએ સ્થાનિક આઈટી ક્ષેત્રના મુખ્ય શૅરો ટીસીએસ, વિપ્રો અને ઈન્ફોસીસમાં નોંધપાત્ર સુધારે નિફટી આઈટી ઈન્ડેકસમાં 1 ટકો સુધારો થયો હતો. બીએસઈ ખાતે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસ અનુક્રમે 2 અને 1.3 ટકા ઘટાડે બંધ હતા. જીઓજીત ફાઈનાન્સિયલના વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે અમેરિકાની નવી આર્થિક નીતિના આગમન અગાઉ સ્થાનિકમાં ટ્રમ્પના રાજકીય વિવાદથી વૈશ્વિક બજાર ચિંતિત છે, પરંતુ ભારતના આર્થિક ફંડામેન્ટલ મજબૂત હોવાથી દરેક ઘટાડે રોકાણકાર પુન: ખરીદી કરવા આવશે.

આમે ટીસીએસનો ભાવ 5 ટકા વધીને આખરે 3.4 ટકા સુધારે બંધ હતો. ટેક મહિન્દ્રા, વિપ્રો અને ઈન્ફોસીસમાં પણ 1થી 3 ટકા સુધારો થયો હતો. સીઈસીએસના ભાવમાં 14 ટકા ઘટાડો થયો હતો. કંપનીએ સ્પેન્સર સાથે જોડાણ અને રૂા. 10ના શૅરને રૂા. 5માં તબદીલ કરવાની જાહેરાત કરી છે. આજે વ્યક્તિગત શૅર એપોલો હૉસ્પિટલમાં 2.45 ટકા ઘટાડો હતો. યુનાઈટેડ બ્રુઅરીઝનો નફો 87 ટકા ઘટવાથી તેના શૅરનો ભાવ 3.25 ટકા ઘટયો હતો. આઈઆરબી ઈન્વેસ્ટમેન્ટ ફંડ રૂા. 102ના ભાવે લિસ્ટિંગ થયા પછી ઈસ્યૂ ભાવથી 0.2 ટકા ઊંચો બંધ રહ્યો હતો.

આજે કેન્દ્ર સાથે જીએસટી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક 2 દિવસ માટે શ્રીનગરમાં શરૂ થઈ છે, જેમાં રાજ્યોને વળતર, વેલ્યુએશન, ઈન્પુટ ક્રેડિટ જેવા નવ સંવેદનશીલ મુદ્દે સર્વસંમતિ સધાઈ હતી.

આજે વૈશ્વિક શૅરબજારમાં અગ્રણી એશિયન બજારમાં ભાવ ઘટાડે રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પર એફબીઆઈની તપાસમાં હસ્તક્ષેપના આક્ષેપ પછી રાજકીય ગરમાટાની અસર અને કરન્સી બાસ્કેટમાં ડૉલર છ મહિનાના તળિયે ઉતરતા બજાર પર દબાણ આવ્યું હતું. એશિયા પેસિફિક શૅરનો એમએસસીઆઈ બ્રિડેકસ ઈન્ડેકસ 0.5 ટકા ઘટયો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.4 ટકા અને નિક્કીમાં 1.4 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. શાંઘાઈ અને હૉંગકૉંગ ખાતે હૅંગસૅંગ પણ દબાણમાં હતા. યુરોપિયન બજાર ઘટતાં આજે પણ યુરોપિયન સ્ટોકસ 600 0.4 ટકા, જર્મનીનો ડેકસ 0.3 ટકા, બ્રિટન ખાતે એફટીએસઈ 100 0.5 ટકા ઘટાડે હતા. ડોવ અને એસએન્ડપી 500 બે દિવસમાં 1.8 ટકા ઘટતાં એશિયન બજાર દબાણમાં છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer