જીએસટીના અમલથી સોનાના વેપારમાં આમૂલ પરિવર્તનની શક્યતા

મુંબઈ, તા. 18 : ગુડ્ઝ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)નો આગામી જુલાઈથી અમલ થઈ રહ્યો છે ત્યારે વિશ્વમાં આ ધાતુના મોટા વપરાશકાર-ગ્રાહક ભારતમાં સોના માટે ઘણી સંભાવના ખૂલશે એવી શક્યતા છે.

એક બાજુએ જીએસટીના કારણે સોનાના વેપારમાં કોન્સોલિડેશન આવવાની શક્યતા છે જેમાં બિનસંગઠિત ખેલાડીઓ તથા જથાબંધ વેપારીઓ  સુવર્ણ બજારમાંથી દૂર થઈ જશે. ત્યારે બીજી તરફ જીએસટીનો દર બે ટકાની ઉપર હોય તો તેમના માટે બિઝનેસ કરવા દાણચોરીનો માર્ગ ખૂલી શકે છે.

તો વપરાશની દૃષ્ટિએ જોઈએ તો પ્રારંભિક ધોરણે માગમાં ઘટાડો આવી શકે પરંતુ સપ્ટેમ્બરમાં તે ઊંચકાઈ શકે જ્યારે તહેવારોની સિઝનની શરૂઆત થશે. વાસ્તવમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જીએસટીના અમલની અસરે 2017માં સોનાનો વપરાશ 650 ટન જેવો નીચો મૂક્યો હતો કે જે 2016ની તુલનાએ 3.77 ટકા નીચો હતો.

ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલરી ઍસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે એક વાર જીએસટીનો અમલ થશે પછી જ્વેલરી સેક્ટરના જથ્થાબંધ વેપારીઓ આ વ્યાપારમાંથી બહાર નીકળી જશે. ગ્રામીણ વિસ્તારોમાં તથા નાનાં ગામડાંમાં ઘણા રિટેલ જ્વેલર્સ હાલમાં સોનાની શુદ્ધતાના મોરચે તથા મેકિંગ ચાર્જિસ પર કમાણીમાં છે.

તો હોલમાર્કિંગ અંગેનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો હોવાની સાથે રિટેલર્સનું માર્જિન ઘટશે તથા તેઓ ફક્ત મેકિંગ ચાર્જિસ મારફત જ નાણાં મેળવી શકશે. સાત ડિઝાઈન, ક્વૉલિટી પ્રોડક્ટ્સ વેચાણ પછીની સારી સેવા, ગુડવીલ અને વિશ્વાસનાં પરિબળો, મફત ફાયદા અને ડિસ્કાઉન્ટ્સ રિટેલર્સ માટે ટર્નઓવર તથા માર્જિન્સ વધારવામાં એકમાત્ર કારણ બનશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer