મુંબઈમાં સ્થાપશે ચાર નવા સાયબર સેલ

હેકરો પર ચારેબાજુથી વાર કરશે સરકાર

મુંબઈ, તા. 18 : સંપૂર્ણ વિશ્વમાં વોન્નાક્રાય રેન્સમવેરના હુમલાએ હાહાકાર મચાવ્યો છે અને રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ પર કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારે મુંબઈ પોલીસની સાયબર બ્રાંચમાં ચાર નવા સાયબર સેલ ખોલવાની મંજૂરી બુધવારે આપી હતી. જેના માટે વર્ષ 2015માં રાજ્ય સરકારના ગૃહ વિભાગને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. 

વિશ્વના ત્રણ લાખ કૉમ્પ્યુટર આ વાયરસથી અસરગ્રસ્ત થયા છે. મહારાષ્ટ્ર એટીએસના કેટલાક અધિકારીઓના કૉમ્પ્યુટર હેક થયા છે. સાયબર હુમલાથી કૉમ્પ્યુટરોની સુરક્ષા વધારવા રાજ્ય સરકારે મોડેથી પણ યોગ્ય પગલું ભર્યું છે. આ ચાર નવા સેલમાં 186 પદ પર અધિકારીઓની તત્કાળ નિમણૂક કરવાની પરવાનગી ગૃહ વિભાગે આપી છે. જેમાં બે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, 24 પોલીસ નિરીક્ષક. 40 સહાયક પોલીસ નિરીક્ષક અને 120 સિપાઈઓની ભરતી કરવામાં આવશે. સેલ માટેની જગ્યા હજી નક્કી નથી થઈ. ચારે સેલમાં ઓછામાં ઓછા 100 પ્રશિક્ષણાર્થીઓને એક સાથે પ્રશિક્ષણ આપવાની સુવિધા હશે. જેના માટે 14.59 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer