નશીલું પીણું પીવડાવી ઝવેરીને લૂંટી લેનારી ત્રણ બાળકોની માતા પ્રત્યે ઉદારતા દાખવવા કોર્ટનો ઇનકાર

મુંબઈ, તા. 18 : અપરાધ કરતાં પહેલાં માતાએ તેનાં બાળકોનો વિચાર કરવો જોઇતો હતો એમ કહેતા કોર્ટે વિલે પાર્લેની 36 વર્ષીય મહિલાની તેનાં ત્રણ બાળકોને કારણે તેને પ્રોબેશન અૉફ અૉફેન્ડર એક્ટ હેઠળ મુક્ત કરવાની અરજી તરફ ઉદારતા દાખવી નહોતી.

વર્ષ 2012માં માધુરી કાવા નામની મહિલાએ ઝવેરીને છેતરીને નશાવાળું જલજીરા શરબત પીવડાવી તેના અંગ પરના દાગીના અને 18.5 લાખ રૂપિયાની ઘડિયાળ ચોરીને નાસી ગઈ હતી. જેના માટે કોર્ટે તેને પાંચ વર્ષની કેદની સજા ફરમાવી હતી.

56 વર્ષીય ઝવેરી દેવેન્દ્રકુમાર સ્વામીએ કોર્ટમાં જણાવ્યું હતું કે 15મી એપ્રિલ 2012ના દિવસે સ્વામી તેના મિત્રના ઘરે હતા ત્યારે આ મહિલાએ ફોન કરી કહ્યું હતું કે તેણે લીધેલા 60,000 રૂપિયા વ્યાજસહિત પાછા આપવા છે તેથી સ્વામીને તેમની જ ઝવેરી બજાર સ્થિત અૉફિસમાં આવવા કહ્યું અને મિત્રનું ઘર ઝવેરી બજારની નજીક હોવાથી સ્વામી બપોરે 12.30 વાગે અૉફિસમાં ગયા હતા. ત્યાં 12.45 વાગે તે મહિલા હાથમાં ઠંડાં પીણાંના બે ગ્લાસ લઇને આવી અને રૂપિયા વ્યાજ સાથે થોડા દિવસમાં આપશે તેવી ખાતરી આપી શરબત પીવા કહ્યું. સ્વામીએ નકાર્યું છતાં આગ્રહ કરી શરબત પીવડાવ્યું અને 12 મિનિટમાં જ તેમને ચક્કર આવવા લાગ્યા. પછી મહિલાએ તેના હાથની સોનાની ચાર વીંટી, બ્રેસલેટ, ચેન અને કીમતી ઘડિયાળ કાઢી લીધા. તે સમયે સ્વામી વાકેફ હતા પણ કંઈ કરી શકે તેવી સ્થિતિમાં ન હતા. ત્યાર બાદ મહિલા તેમને અૉફિસમાં બંધ કરી નાસી ગઈ હતી. 5.30 વાગે સ્વામીના મિત્રે અૉફિસ ખોલી તેમને બેભાન હાલતમાં જોઈ હૉસ્પિટલમાં દાખલ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તે સિવાય મહિલાએ સ્વામી વિરુદ્ધ જાતીય સતામણીનો આક્ષેપ પણ કર્યો હતો જેને કોર્ટે એમ કહી ફગાવી દીધો હતો કે જાતીય સતામણી કરનારા પુરુષ પાસે કોઇ સ્ત્રી સામેથી ન જાય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer