જીએસટી હેઠળ અનાજ અને કરિયાણું સસ્તું થશે

જીએસટી કાઉન્સિલની બેઠકમાં આજે નવી કરપ્રણાલીનું માળખું નક્કી કરવામાં આવશે

શ્રીનગર, તા.18 (પીટીઆઇ) : પહેલી જુલાઇથી દેશભરમાં સમાન કરવેરા માટેનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ઍક્ટ અમલમાં આવ્યા બાદ જીવન-જરૂરિયાત તેમ જ રોજીંદા વપરાશની આવશ્યક વસ્તુઓ સસ્તી થશે. જમ્મુ અને કાશ્મીરમાં આજથી શરૂ થયેલી જીએસટી કાઉન્સિલની બે દિવસની બેઠકના પહેલા દિવસે આજે અનાજ, કરિયાણું, સહિતની આવી સેંકડો વસ્તુઓ પર શૂન્ય કે સાવ મામુલી કરવેરા લાદવાનું નક્કી કર્યું છે. જીવનાવશ્યક કે રોજીંદા વપરાશથી લઇને લક્ઝરી ગણી શકાય એવી કુલ 1,211 આઇટેમ્સમાંથી માત્ર છ વસ્તુઓના કર નિર્ધારણ બાકી છે જેના પર આવતી કાલે નિર્ણય લેવાશે, એમ બેઠકના અધ્યક્ષ નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું.

આજની બેઠકની મહત્ત્વની સિદ્ધિ એ છે કે જે દર નક્કી કરાયા છે તેમાંથી જીવનાવશ્યક કેટલીય વસ્તુઓ પર ભવિષ્યમાં પણ કરવેરા વધારવામાં નહીં આવે. હાં ટેક્સના વર્તુળમાં અન્ય કેટલીક વસ્તુઓ આવશે તેથી આમાંની કેટલીક વસ્તુઓ પરના કરવેરા ઘટશે.

કુલ આઇટમ્સમાંથી સાત ટકા આઇટમ્સ પર શૂન્ય ટકા જીએસટી રહેશે જ્યારે 14 ટકા આઇટમ્સ પર ન્યૂનતમ કહી શકાય એટલો પાંચ ટકા સુધીનો જીએસટી વસૂલાશે. આ ઉપરાંત 17 ટકા વસ્તુઓ પર 12 ટકા સુધીનો મધ્યમ જ્યારે 43 ટકા વસ્તુઓ પર 18 ટકા સુધીનો જીએસટી લાગશે. બાકીની 19 ટકા આઇટમ્સ પર 28 ટકા સુધીનો કરવેરો જીએસટી અંતર્ગત વસૂલાશે. સમગ્રતયા કુલ 1,211 વસ્તુઓમાંથી 81 ટકા વસ્તુઓ પર સરેરાશ 18 ટકા કે તેનાથી ઓછો જીએસટી રહેશે તેથી હાલમાં કેટલીક જીવનાવશ્યક વસ્તુઓ મોંઘી જણાય છે તે સસ્તી થશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer