કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર મનાઈહુકમ

કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર મનાઈહુકમ
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા

ચુકાદાથી દેશભરમાં રાહતની લાગણી : જોકે પાકિસ્તાને અદાલતના ચુકાદાને માનવાનો ઈનકાર કરી દીધો

હેગ, તા. 18 (પીટીઆઈ) : અઢાર વર્ષ બાદ ફરી પાકિસ્તાન સામે વૈશ્વિક અદાલતમાં કાયદાના જંગમાં ભારતના મોટા વિજય સમાન ચુકાદો આપતા સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (આઈસીજે)એ ગુરુવારે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાની સૈન્ય અદાલત દ્વારા ફાંસીના ચુકાદા પર રોક લગાવી દીધી હતી. આ આદેશ દ્વારા ભારત વિરોધી પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર એક મોટી લપડાક મળી છે.

પાક સૈન્ય અદાલતે જાધવને જાસૂસીના આરોપ તળે દોષી ઠેરવીને ફાંસી આપ્યાના એક માસ અને સાત દિવસ બાદ આજે આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી જાધવની ફાંસી પર રોક મૂકી દીધી છે. આંતરરાષ્ટ્રીય અદાલતના અધ્યક્ષ ન્યાયમૂર્તિ ટોની અબ્રાહમે કોર્ટનો ચુકાદો વાંચતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારતની કાઉન્સેલર એક્સેસ એટલે કે જાધવને રાજદ્વારીઓ સાથે મળવાની છૂટ આપવાની અપીલ સ્વીકારવી જોઈતી હતી.

હવે આ કેસની પ્રક્રિયામાં અંતિમ નિર્ણય ન અપાય ત્યાં સુધી પાકિસ્તાન ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપી શકશે નહીં, તેવું તેમણે પાકને આદેશ આપતાં કહ્યું હતું.

વધુમાં, જાધવની ધરપકડના સંજોગો પણ વિવાદાસ્પદ રહ્યા છે, તેવું ચુકાદો વાંચતા ન્યાયમૂર્તિ અબ્રાહમે જણાવ્યું હતું. ભારત અને પાકિસ્તાને 46  વર્ષીય ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી જાધવ સંદર્ભે અરજીઓ સોંપ્યાના બે દિવસ બાદ યુનોની ટોચની ન્યાય સંસ્થા આંતરરાષ્ટ્રીય અદાલતના 11 ન્યાયમૂર્તિઓની ખંડપીઠે ભારતના પક્ષમાં ચુકાદો આપતાં પાકના ગાલે થપ્પડ પડી છે.

ભારતની માંગ વિયેના સંધિ હેઠળ સાચી અને તર્કસંગત છે. તેને પોતાના નાગરિકની કાનૂની મદદ કરવાનો પૂરેપૂરો અધિકાર છે તેવું કહેતાં આંતરરાષ્ટ્રીય અદાલતની 11 ન્યાયમૂર્તિઓની ખંડપીઠે માનવ અધિકારના સંબંધમાં ભારતીય નિવેદનની તરફેણ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer