ચોમાસું નજીક છે ત્યારે જ મેટ્રો-થ્રીના કેટલાંક સ્ટેશનોનું બાંધકામ શરૂ થયું દક્ષિણ મુંબઈમાં મહત્ત્વના પાંચ માર્ગો પર ટ્રાફિક નિયમન, વરસાદમાં હાલાકીનો ભય

મુંબઈ, તા.18 : કોલાબાથી સીપ્ઝ સુધીની પ્રસ્તાવિત મેટ્રો-થ્રી યોજનાના પહેલા તબક્કાનું બાંધકામ આજથી શરૂ થતાં જ શહેરમાં કેટલાંક સ્થળોએ ટ્રાફિક સંબંધી સમસ્યાઓ તોળાઇ રહી છે. ટ્રાફિક પોલીસે કેટલાંક રોડ પર ડાઇવર્ઝન સહિતના પગલાં તો લીધાં છે પરંતુ ચોમાસું પણ નજીકમાં છે તેથી મેટ્રોનું કામ અને વરસાદ એક સાથે હશે ત્યારે ટ્રાફિકની સ્થિતિ વણસવાની શક્યતા છે. 

પાંચ સ્ટેશનોનું બાંધકામ : મેટ્રો તરફથી બાંધકામ સંબંધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તે પ્રમાણે મેટ્રો-થ્રી યોજનાના પહેલા તબક્કામાં આ રૂટના કેટલાંક સ્ટેશનોના બાંધકામ શરૂ કરાશે તેમાં ડીએન રોડ પર હુતાત્મા ચોક, કાલબાદેવી અને જેએસએસ રોડ પર ગિરગાંવ, અંધેરીમાં એમઆઇડીસી અને ડૉ. એની બૅસન્ટ રોડ પર વરલી સ્ટેશનનું કામ શરૂ થયું છે. આ ઉપરાંત પહેલા તબક્કામાં બીકેસીમાં જ્ઞાનેશ્વર માર્ગ અને આંતરરાષ્ટ્રીય તેમ જ આંતરદેશીય ઍરપોર્ટ ખાતે પણ લેન શિફ્ટિંગનું કામ પણ થશે. 

ટ્રાફિક પોલીસે મેટ્રોના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાંક રોડ પર ટ્રાફિકની હાલાકી ન થાય તે માટે ડાયવર્ઝન સહિતની કામચલાઉ વ્યવસ્થા કે યોજના તૈયાર કરી હોવાનું મુંબઈ પશ્ચિમ ઝોનના ટ્રાફિક શાખાના નાયબ પોલીસ કમિશનર સંજય જાધવે જણાવ્યું હતું. 

ટ્રાફિક નિયમન : આ વ્યવસ્થા પ્રમાણે ડીએન રોડ પર ઉત્તર તરફ જવાનો માર્ગ ચોવીસે કલાક બંધ રહેશે. વીર નરિમાન રોડ પરથી ઉત્તર તરફ જનારો ટ્રાફિક ડાબી તરફ નહીં વળી શકે અને હુતાત્મા ચોક જંક્શનના એમજી રોડ પરથી ડીએન રોડ પર પણ નહીં જઇ શકાય. આ ઉપરાંત ચોવીસે કલાક પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે એવા રોડ અને વિસ્તારોમાં હુતાત્મા ચોક જંક્શનથી સીએસટી, સર ફિરોઝશાહ મેહતા માર્ગ અને શહીદ ભગતસિંહ માર્ગ જંક્શનથી હેન્ડલૂમ હાઉસ જંક્શન, બૉમ્બે જિમખાના કોર્નરથી સીએસટી સુધીના હઝારીમલ સોમાની માર્ગ, હેન્ડલૂમ હાઉસ જંક્શનથી એમજી રોડ જંક્શન સુધીના મહર્ષિ દધિચી માર્ગનો સમાવેશ થાય છે. 

ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે વીર નરિમાન રોડથી ડીએન રોડ તરફ જવા માગતા વાહન ચાલકો સીટીઓ જંક્શનથી ડાબી તરફ વળાંક લઇ શકે છે. ત્યાંથી તેઓ કે બી પાટીલ માર્ગ પરથી ઓસીએસ જંક્શન અને બૉમ્બે જિમખાના કોર્નરથી વાયા એમજી રોડ હઝારીમલ સોમાની માર્ગ સુધી જઇ શકે છે. 

આ રીતે જ એમજી રોડથી ડીએન રોડ પર જવા માટે બૉમ્બે જિમખાનાથી ડાબી તરફ વળીને સોમાની માર્ગ પરથી જમણે વળાંક લઇને પુરુષોત્તમદાસ ઠાકુરદાસ માર્ગ જંક્શન અને ત્યાંથી સીધાં ડાબી તરફ વળાંક લઇને ડીએન રોડ પર આવી શકાય છે. 

આ રીતે જ વરલીનો ડૉ. એની બૅસન્ટ રોડ સતત ધમધમતો રહે છે. આ રોડ પર પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવાયો છે ઉપરાંત સાસમીરા જંક્શનથી ગ્લેક્સો જંકશન સુધી બંને દિશામાં કોઇ પણ વાહને થોભવાની પણ મનાઇ કરાઇ છે.

ગિરગાંવ મેટ્રો સ્ટેશનનું કામ ચાલશે ત્યાં સુધી અૉપેરા હાઉસ તરફથી આવનારી બેસ્ટની બસીસ સહિતના વાહનોને જેએસએસ રોડ તરફ વાળવામાં આવશે. આવા વાહનોને ગિરગાંવ ચર્ચ જંક્શનથી જમણી તરફ વળીને એમકે રોડ તરફ જવા માટે આરઆર રોડ પર જવાનું રહેશે ત્યાર બાદ એમકે રોડ થઇને ઘોડા ગાડી જંક્શન તેમ જ પ્રિન્સેસ સ્ટ્રીટ બ્રિજ તરફ જવાનું રહેશે. રાજા રામમોહન રોય રોડ પર પર પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે. જગન્નાથ શંકર શેઠ માર્ગની દક્ષિણ તરફની લેન પણ બંધ રહેશે. 

અંધેરીમાં એમઆઇડીસી મેટ્રો સ્ટેશનનું કામ ચાલશે ત્યાં સુધી રોડ નંબર સાતથી કોન્ડિવિટા રોડ નંબર 16 તરફ જનારા ટ્રાફિક માટે પણ ડાઇવર્ઝન જાહેર કરાયું છે. સાત નંબરના રોડ પરથી ડાબી તરફ વળાંક લઇને 15 નંબરના રોડ પર જવાનું રહેશે. ત્યાર બાદ જમણી તરફ વળીને કોન્ડિવિટા રોડ પર આવીને જમણી તરફ સી ક્રોસ રોડ વાયા રોડ નંબર 13 થઇને જવાનું રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer