સ્માર્ટ સિટી કે ઓવર-સ્માર્ટ ગવર્નમેન્ટ? ફ્રી વાઇ-ફાઇનું પાંચ કરોડનું બિલ ન ચૂકવાતાં એમટીએનએલે સરકારને ફટકારી નોટિસ

મુંબઈ, તા.18 : આ વર્ષે નવમી જાન્યુઆરીથી મુંબઈમાં શરૂ થયેલી ફ્રી વાઇ-ફાઇ સર્વિસનું અત્યાર સુધીનું પાંચ કરોડ રૂપિયાનું બિલ નથી ચૂકાવાયું તેથી સરકારી ટેલિકૉમ કંપની મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)એ મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારી છે. 

આ યોજનાના કરાર પ્રમાણે સરકારે દર ત્રણ મહિને એમટીએનએલનું બિલ ભરવાનું હતું તે મુજબ પહેલું બિલ મે સુધીમાં ચૂકવવાનું હતું.એમટીએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી કે પુરવારે જણાવ્યું હતું કે બિલ ચૂકવવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી રાજ્ય સરકારને નોટિસ મોકલાવી છે. આ કરાર બે સરકારી એજન્સીઓ વચ્ચેનો છે, તેથી અમે મહારાષ્ટ્ર સરકારને વાઇ-ફાઇ સર્વિસનું બિલ મોકલાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારના ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી વિભાગના મુખ્ય સચિવ વી કે ગૌતમે કહ્યું હતું કે સરકાર એમટીએનએલને બૅન્ડવિડ્થ માટે બિલ ચૂકવી રહી છે, પરંતુ ગૌતમના જણાવ્યા પ્રમાણે હજુ સુધી અમને આવી કોઇ ચૂકવણી નથી કરાઇ. 

સરકારે મુંબઈમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 510 હૉટસ્પોટ ઉભાં કરીને મુંબઈગરાઓને ફ્રી વાઇ-ફાઇ આપવાની યોજના કરી છે. આ યોજનાના પહેલા તબક્કામાં 194 કરોડ રૂપિયાના ખર્ચે 2000 એસેસ પોઇન્ટ તૈયાર કરાયા છે, જેનું કામ લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) કંપનીના કોન્સોરટિયમ દ્વારા પાર પાડવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને કરાયેલી આ યોજનાના કરાર પ્રમાણે એલ એન્ડ ટી કંપની સિસ્ટમ ઇન્ટિગ્રેટર છે અને એમટીએનએલ ચાર મેગાબાઇટ્સ પર સેકન્ડની ક્ષમતાવાળી બૅન્ડવિડ્થ પૂરી પાડે છે.

તાજેતરમાં એલ એન્ડ ટીએ એમટીએનએલને બિલ ચૂકવવાની તૈયારી દાખવી હતી પરંતુ એમટીએનએલે કંપની પાસેથી બિલ સ્વિકારવાનો ઇનકાર કર્યો હતો. જો કે એમટીએનએલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અમે સરકાર સાથે કરાર કર્યાં છે, કોઇ ત્રીજી પાર્ટી સાથે નહીં, તેથી પાંચમી મેએ અમે સરકારને બિલ ચૂકવવાની તાકીદ કરતી નોટિસ મોકલાવી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer