નમાજ પઢાવવાની હઠ કરનાર બરકતીની મારપીટ

નમાજ પઢાવવાની હઠ કરનાર બરકતીની મારપીટ
કોલકાતા, તા. 19 : પાકિસ્તાન સાથે મળીને દેશની વિરુદ્ધ જેહાદ પોકારવા સહિત અન્ય વિવાદિત નિવેદનોને લઈ બરકતી ચોમેરથી ઘેરાઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફતવો બહાર પાડનાર આ મૌલાના વિરુદ્ધ અનેક મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ફતવો બહાર પાડયો છે. પશ્ચિમ બંગાળના ઉલેમા કાઉન્સિલે બરકતીના વિરોધમાં ફતવો કાઢતા કહ્યું છે કે બરકતીના નમાજ પઢાવવાનો મુસ્લિમ બહિષ્કાર કરે.

આ સંગઠનમાં રાજ્યના પ્રધાન સિદ્દી કુલ્લા ચૌધરીના સંગઠન જમાયતે-ઉલેમા-હિંદ સહિત અનેક મુસ્લિમ સંગઠનો પણ સામેલ છે. ગુરુવારે ફતવાનું પાલન મસ્જિદ બહારના દુકાનદારોના સંગઠન શૉપકીપર્સ વેલફેયર ઍસોસિયેશને કર્યું. સાડા ચાર વાગ્યે નમાજ પઢવા પહોંચેલા બરકતીના સંગઠનના લોકોએ રોક્યા હતા, પરંતુ નહીં માનવા પર સંગઠનના નમાજિઓને બોલાવી મુતવલ્લી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ઇમામ મોહમ્મદ હારુન રસીદે નમાજ પઢાવી હતી, જ્યારે મસ્જિદમાં નમાજ પઢાવવા પહોંચેલા મૌલાના નુરુર રહમાન બરકતીની મારપીટ કરવામાં આવી હતી.

કહેવાય છે કે મસ્જિદના ઇમામ પદથી હટાવવામાં આવ્યા છતાં નમાજ પઢાવવાનો હઠ લઈ બેઠેલા બરકતીએ જબરદસ્તીથી અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો તો મારપીટ શરૂ થઈ ગઈ હતી. તેમના માથે ઇજા પહોંચી છે. જોકે, બરકતીએ દાવો કર્યો છે કે આરએસએસના લોકોએ તેના પર હુમલો કરાવ્યો છે. જોકે, પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ થઈ નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer