પાકિસ્તાન વકીલોની ટીમ બદલશે હવે ફાંસીની સજા રદ કરવાનું ભારતનું લક્ષ

પાકિસ્તાન વકીલોની ટીમ બદલશે હવે ફાંસીની સજા રદ કરવાનું ભારતનું લક્ષ
નવી દિલ્હી, તા. 19 : કુલભૂષણ જાધવને પાકિસ્તાનની ગુપ્ત લશ્કરી અદાલતે ફરમાવેલી ફાંસીની સજા રદ કરવાની માગણી ભારત કરશે, એમ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (આઇસીજે)માં ભારતના ધારાશાસ્ત્રી હરીશ સાળવેએ જણાવ્યું હતું. સાળવેએ એવો નિર્દેશ આપ્યો હતો કે જાધવને કૉન્સ્યુલર એક્સેસ માટેની માગણી હવે પ્રાથમિકતા રહી નથી. દરમિયાન જાદવની ફાંસીની સજા પર રોકને લઇ પાકિસ્તાન ભારે દ્વિધામાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પોતાના પક્ષ રજૂ કરવા તેણે વકીલોની નવી ટીમ મોકલવાનું નક્કી કર્યું છે.

`પાકિસ્તાને માર્ચ, 2016માં એટલે કે ટ્રાયલ શરૂ થવા પહેલાં જ કૉન્સ્યુલર એક્સેસ મંજૂર કરવી જોઇતી હતી' એમ જણાવતાં સાળવેએ એવી સ્પષ્ટતા કરી હતી કે કોર્ટે ભારત સરકારને કૉન્સ્યુલર એક્સેસ આપી હતી, પરંતુ તે ખૂબ જ મોડી પ્રાપ્ત થઇ હતી.

જાધવ માટેની ભારતની લડાઇ `વળતર'ની દલીલ પર નિર્ભર છે, જેનો મૂળભૂત અર્થ એ થાય છે કે જાધવને દોષી ગણાવનારો પાકિસ્તાનની લશ્કરી અદાલતનો ચુકાદો `રદ' કરવામાં આવે અને ટ્રાયલ નવેસરથી શરૂ કરવામાં આવે, એમ સાળવેએ જણાવ્યું હતું.

સાળવેએ વધુમાં કહ્યું હતું કે આઇસીજેમાં ભારતે કરેલી અરજીમાં પાકિસ્તાનની લશ્કરી અદાલતના આદેશને રદ કરવાની માગણી કરવામાં આવી છે. સૈદ્ધાન્તિક રીતે વળતર તરીકે સંભવત: જાધવના છુટકારા માટેની માગણી કરી શકાય છે. જો કાનૂની પ્રક્રિયા ક્ષતિપૂર્ણ હોય તો ફાંસીની સજા યોગ્ય ઠરતી નથી, એમ તેમણે જણાવ્યું હતું.

જોકે, સાળવેએ નોંધ્યું હતું કે આ સંજોગોમાં તેમને એ વાતની ખાતરી નથી કે વળતર સંપૂર્ણપણે શક્ય બનશે કેમ કે તે કાયદાશાત્રનો તાજેતરનો સિદ્ધાંત છે અને તેમાં હજી વિસ્તરણ થઇ રહ્યું છે.

સાળવેએ વધુમાં જણાવ્યું હતું કે જો પાકિસ્તાને કોર્ટના ચુકાદાની અવગણનાનો અને ફાંસી આપવાનો નિર્ણય લીધો હોય તો કૉન્સ્યુલર એકસેસનો કોઇ અર્થ નથી. તેમ છતાં આઇસીજેનો નિર્ણય બંધનકારક હોઇ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય અદાલતને ફરી રિપોર્ટ કરવો અનિવાર્ય છે.

દરમિયાન, કુલભૂષણ જાધવની ફાંસી પર મનાઇ હુકમના આઇસીજેના આદેશથી હતપ્રભ બની ગયેલું પાકિસ્તાન આ આદેશનું પાલન કરવું કે નહીં? એ અંગે દ્વિધા અનુભવી રહ્યું છે કેમ કે તેની પંજાબ પ્રાંતની સરકારે વિદેશ મંત્રાલયથી વિપરીત જણાવ્યું હતું કે હેગના ચુકાદાનો દેશ સ્વીકાર કરશે, જ્યારે તે પહેલાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ ઝકરિયાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોમાં પાકિસ્તાન આઇસીજેના ચુકાદાને માન્ય નહીં રાખે. હવે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં વકીલોની નવી ટીમ મોકલવાનું નક્કી કર્યું છે.

ચીન અને હૉંગકૉંગની સપ્તાહ લાંબી યાત્રાએથી પાછા ફરેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ પર હેગના ચુકાદા બાદ તેમના હરીફ નેતાઓ અને કાયદાવિદોએ માછલાં ધોયાં હતાં.

પૂરતી તૈયારી નહીં કરવા તેમ જ આઇસીજે સમક્ષ તેના કેસનો બચાવ કરવા યોગ્ય વકીલોની પસંદગી નહીં કરવા બદલ સરકારની ઉગ્ર ટીકા કરવામાં આવી હતી.

જોકે, `ડૉન લીક' તપાસ બાદ મુલ્કી સરકાર સાથે તાણભર્યા સંબંધો ધરાવતા પાકિસ્તાનના શક્તિશાળી લશ્કરે આ મુદ્દે કોઇ પણ સત્તાવાર પ્રક્રિયા દર્શાવી ન હતી, જ્યારે વિદેશ ખાતાના નિવેદનથી વિપરીત પાકિસ્તાન પંજાબના કાયદા પ્રધાન રાણા સનાઉલ્લાએ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ આઇસીજેના ચુકાદાનો સ્વીકાર કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer