તેજસ્વીના રાજીનામા મુદ્દે મહાગઠબંધનને ગ્રહણ !

જેડીયુના અલ્ટિમેટમની અવગણના કરતા તેજસ્વી મુદ્દે થઈ શકે છે આકરો નિર્ણય

નવી દિલ્હી, તા. 16 : બિહારમા રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સીબીઆઈએ ફરિયાદ નોંધાવતા વિપક્ષ દ્વારા તેજસ્વી યાદવના રાજીનામાની માગ કરવામાં આવી રહી હતી. આ બાબતે જેડીયુ દ્વારા તેજસ્વીને સ્પષ્ટતા કરવા અને રાજીનામુ આપવા માટે ચાર દિવસનો સમય આપ્યો હતો. જો કે તેજસ્વીએ સ્પષ્ટતા નથી આપી કે રાજીનામુ આપવા બાબતે પણ કોઈ સંકેતો આપ્યા. આ બાબતે હવે બિહારના મહાગંઠનમાં તિરાડો વધુ વરવી બની રહી છે. આજે નીતિશ કુમારની આગેવાનીમાં જેડીયુના ધારાસભ્યો અને વિધાયકોની બેઠક બોલાવવામાં આવી છે. તો બીજી તરફ લાલુએ રાજદની બેઠક બોલાવી છે. સામાન્ય રીતે આ બેઠક રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે અંદરખાને નીતિશ અને લાલુ વચ્ચે તેજસ્વીના રાજીનામા મુદ્દે રાજકારણ ચાલી રહ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેજસ્વી રાજીનામુ આપે તેવું ઈચ્છી રહ્યા છે. એમ પણ કહેવામાં આવે છે કે, તેજસ્વીના રાજીનામા મુદ્દે મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, રાજીનામા બાબતે લાલુ ઉપર દબાણ કરવામાં આવે. 

આ પરિસ્થિતિમાં આજની બેઠકમાં નીતિશ કુમાર તેજસ્વી બાબતે મહત્ત્વનો નિર્ણય કરે તેવી સંભાવના છે. બીજી તરફ લાલુ પ્રસાદ યાદવે બિહારના રાજકારણમાં ગરમાવો જોતા રાજદના સભ્યોની એક બેઠક બોલાવી છે. જેમાં  આગામી રણનીતિ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ધારાસભ્યોની બેઠક બાદ રાજદ અને કોંગ્રસ વચ્ચે પણ મહત્ત્વની મીટિંગ થવાની છે. લાલુ અને તેના પરિવાર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ સીબીઆઈએ દાખલ કરતા બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેડીયુના નેતાઓનું માનવું છે કે, જો આરોપો પાયાવિહોણા હોય તો તેજસ્વીએ આગળ આવીને પુરાવા લોકો સમક્ષ રજૂ કરવા જોઈએ જેથી લોકોનો ભરોસો કાયમ રહે. જેડીયુના પ્રવક્તા કે.સી. ત્યાગીએ તો આકરા શબ્દોમાં કહ્યું હતું કે, જેડીયુ સ્વચ્છ છબી બાબતે કોઈ બાંધછોડ નહીં કરે. બીજી તરફ રાજદના નેતાઓ દ્વારા જેડીયુનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં તેજસ્વી મહાગઠબંધનમાં તિરાડનું કારણ બની રહ્યા છે.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer