આ વર્ષે તુવેરની ખરીદી થશે ડિજિટલ મહારાષ્ટ્રમાં તુવેરનો 6.5 લાખ ટન સ્ટૉક હોવાથી નિકાસની પરવાનગી માટે વિનંતી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16: મહારાષ્ટ્રમાં તુવેરની ખરીદીમાં ગત મોસમમાં સર્જાયેલી અવ્યવસ્થાને પગલે હવે રાજ્ય સરકાર તુવેર ખરીદી કેન્દ્રો ઉપર ડિજિટલ નોંધણીની સુવિધા ઊભી કરશે. તેના કારણે ખેડૂતોને નોંધવામાં આવ્યા હોય એ દિવસે જ તુવેરની ખરીદી થશે એવી હૈયા ધારણ મળશે.

ઉપરાંત આ કારણે એકીસાથે મોટા પ્રમાણમાં તુવેરની ખરીદી થતી ટાળી શકાશે. તેઓને તુવેરને ખુલ્લામાં મૂકવાનો વારો પણ નહીં આવે. મહારાષ્ટ્રના કૃષિ ખાતાના સચિવ વિજયકુમારે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે તુવેરની `ઇ-ખરીદી' માટે નોંધણીની સુવિધા આપવામાં આવશે. તેના માટે કમ્પ્યુટર પ્રણાલી પણ તૈયાર કરવામાં આવી છે. આ પ્રણાલીને તુવેરના ખેડૂતોના આધારના નંબર સાથે જોડવામાં આવશે.

ગત સાતમી જુલાઇએ પ્રાપ્ત આંકડા મુજબ 7.43 લાખ હેક્ટર જમીન ઉપર તુવેરનું વાવેતર થયું છે તે સરાસરીના 61 ટકા છે. તેથી આ વર્ષે પણ તુવેરનું ઉત્પાદન સારા પ્રમાણમાં થશે.

મહારાષ્ટ્રમાં 6.5 લાખ ટન તુવેરનો સ્ટૉક

મહારાષ્ટ્રમા તુવેરનો 6.5 લાખ ટન જેટલો સ્ટૉક છે. આ બફર સ્ટૉકને આવતા ત્રણ વર્ષ સુધી સાચવી રાખી શકાય એમ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે તુવેરની નિકાસની પરવાનગી આપવી જોઇએ એવો પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer