પિલિભીત વાઘ અભયારણ્યથી આસપાસનાં સેંકડો ગામોમાં ફેલાયેલો ભય

એક વર્ષમાં વાઘે 15 ગામવાસીઓનો ભોગ લીધો

બરેલી, તા. 16 : `સોચ સમજકર નીકલના પડતા હૈ, જંગલ મેં આદમખોર બાઘ છોડ રખેં હૈ'. પિલિભીત વાઘ અભયારણ્યની નજીકનાં ગામોના લોકોની આવી પ્રતિક્રિયા હવે સામાન્ય બની ગઈ છે  કારણ કે છેલ્લા એક વર્ષમાં અહીં 15 લોકો વાઘનો ભોગ બની ચૂકયા છે. દેશમાં કોઈ પણ વાઘ અભયારણ્યની બહારના વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકોને વાઘે ફાડી ખાધા નથી.

ઘોડાના પગના આકારના આ વાઘ અભયારણ્યની આસપાસનાં સેંકડો ગામોના લોકો વાઘના ભયથી કાંપી રહ્યા છે. 2014 પછી અહીં આ વાઘોની વસ્તી બમણી થઈ ગઈ છે. આ જંગલને રાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ માનવ અને પ્રાણી વચ્ચે જાણે કે એક નવો સંઘર્ષ શરૂ થઈ ગયો છે.

પિલિભીતને વાઘનું અભયારણ્ય જાહેર કરાયું તે પહેલાં ગામડાના લોકો ઘાસચારા અને અન્ય ચીજો માટે સરળતાથી જંગલમાં જતા હતા. આ સમગ્ર જંગલને કુદરતી સંપત્તિ, જડીબુટ્ટીઓ અને લાકડા માટે કૉન્ટ્રેક્ટ પર આપી દેવામાં આવ્યો હતો અને 30 કરોડની વાર્ષિક આવક થતી હતી.

`તમામ લોકો આ જંગલ પર નભતા હતા. કૉન્ટ્રેક્ટરોને પૈસા મળતા હતા. વહીવટી તંત્રને આવક થતી હતી અને સ્થાનિક લોકોને રોજિંદી ચીજવસ્તુઓ મળી રહેતી હતી' એમ સ્થાનિક પર્યાવરણવાદી મોહમદ ઝાગિરે જણાવ્યું હતું.

`કેટલાક લોકો ખેતરોમાં ડાંગરની ખેતી કરતા હતા. જંગલી ફળો વેચીને મળેલા પૈસામાંથી કે જંગલમાં કામ કરવા માટે કૉન્ટ્રેક્ટર પાસેથી મળતાં નાણાંમાંથી તેઓ ચોખા અને ઘઉં ખરીદતા હતા' એમ તેણે વધુમાં જણાવ્યું હતું.

જોકે જૂન 2014 પછી બધું જ બદલાઈ ગયું છે.

જંગલના ચોકિયાતો લોકોને જંગલમાં પ્રવેશતા અટકાવે છે. `અમે અમારા પ્રાણીઓ માટે ઘાસ લેવા જંગલમાં જઈએ છીએ ત્યારે ગાર્ડ અમને અટકાવે છે' એમ પિપરીયા ગામના ખેડૂત દિનેશ વર્માએ જણાવ્યું હતું.

જંગલના રખેવાળ વી.કે. સિંઘે જણાવ્યું હતું કે જંગલમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા માટે 109 જણાની ધરપકડ કરવામાં આવી હતી.

આ વિસ્તારમાં 28 વાઘ હતા તે વધીને એક વર્ષમાં 54 થઈ ગયા છે. જંગલના આકારને કારણે જંગલી પ્રાણીઓ જ્યારે એક સ્થળેથી બીજે સ્થળે પસાર થાય છે ત્યારે તેઓ માનવ વસાહતમાંથી જતા હોય છે. આને કારણે માનવો પર હુમલાના બનાવ વધી ગયા છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer