અબડાસામાં આભ ફાટયું : ચાર કલાકમાં વધુ બાર ઇંચ વરસાદ

અબડાસામાં આભ ફાટયું : ચાર કલાકમાં વધુ બાર ઇંચ વરસાદ
સતીશ ઠક્કર તરફથી

નલિયા, તા. 16 : જેની અતિ ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઇ રહી હતી એ કચ્છના ભાગ્યવિધાતા મેઘરાજાએ અબડાસાને એકધારા ત્રીજા દિવસે રવિવારે પણ જળબંબોળ કરી દેતાં અને મેઘસવારી અવિરત રાખતાં વીર અબડાની ભૂમિના લોકો હવે ડરી ગયા છે અને મેઘરાજા ખમૈયા કરે, પૂરતો ઉઘાડ આપે અને પછી તબક્કાવાર મહેર કરે તેવી દુઆ-પ્રાર્થના વચ્ચે આજે ગઢવાડા અને આસપાસનાં ગામો પર જાણે આભ ફાટયું હોય તેમ ચાર કલાકમાં દસથી બાર ઇંચ પાણી ખાબકી પડતાં નાગોર, ધનાવાડા, નાનાવાડા, હાજાપર સહિતનાં ગામો હેબતાઇ ગયાં છે. વરસાદી પાણી ઓસર્યા ઓસરતા નથી ત્યાં રાત્રે આઠ વાગ્યે પણ સૂસવાટા મારતા પવનો સાથે ઝાપટાઓ પુન: શરૂ?થતાં આજે રાત્રે અબડાસા અતિવૃષ્ટિના બારણે તો નહીં પહોંચી જાય ને તેવી ડરામણી દહેશત પેઠી છે. તાલુકાના પરજાઉ ગામે ઘૂઘવતા પાલર પાણીમાં ફસાયેલા નવ જણને પોલીસની ટીમે માંડ માંડ બચાવ્યા હતા. સુથરીનો કલાકોટ ડેમ ફાટી પડતાં પાણી વહી નીકળ્યાં હતાં. તાલુકાના 56 ગામોમાં વીજ પુરવઠો ઠપ થઇ ગયો છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને અબડાસાની સ્થિતિ સંદર્ભે જણાવ્યું હતું કે એન.ડી.આર.એફ.ની ટીમ રેકી કરીને તૈનાત જ છે. પાણી ઓસરે છે પણ રાત વચ્ચે વરસાદનો જોર વધશે તો તંત્ર પહોંચી વળવાની સ્થિતિમાં છે. શનિવારે ભુજ ખાતે એક હેલિકોપ્ટર ખાસ બચાવ માટે તૈયાર રખાયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

અબડાસામાં શનિવારે ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયા બાદ આખી રાત ઝાપટાં  જારી રહેતાં વધુ ત્રણેક ઇંચ પાણી પડયું હતું અને સવારે 9 વાગ્યાથી તો રમઝટ સાથે મેઘસવારી ફરી આવી પહોંચતાં મેઘો ઓળઘોળ થતો ભાસ્યો હતો. આજે ત્રીજા દિવસે મેઘસારી ચાલુ રહી હતી. એટલું જ નહીં ગઢવાડા વિસ્તારના આસપાસના ગામોને મેઘરાજાએ આજે બરાબર ધમરોળ્યા હતા. ચારેક કલાકમાં 10થી 12 ઇંચ જેટલો વરસાદ થતાં જાણે આભ ફાટયું હોય તેવો અહેસાસ થવા લાગ્યો હતો. ગામના અગ્રણી સામતભાઇ ગોરડિયાના જણાવ્યાનુસાર આજે સવારે 7 વાગ્યાથી ધોધમાર વરસાદ તૂટી પડતાં આસપાસના ગામો નાગોર, ધનાવાડા, નાનાવાડા, હાજાપર વગેરે ગામોમાં પાણી પાણી થઇ ગયું હતું.

ગઢવાડા ગામે હરિજનવાસ અને મુસ્લિમ ફળિયામાં મકાનોમાં પાણી ઘૂસતાં કોમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળામાં 50 જેટલા પરિવારનું કામચલાઉ સ્થળાંતર કરાયું હતું. વરસાદી હેલીના પગલે ગામમાં 20 જેટલા પશુઓનું મોત થયું હતું. 700થી 800 એકર જેટલી જમીનમાં કપાસનો પાક ધોવાઇ ગયો હતો.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer