GST એટલે ‘ગ્રોવિંગ સ્ટ્રોંગ ટુગેધર’ : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા. 17 : સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. કૉંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ આ સત્રમાં સરકારનો વિરોધ કરવાની રણનીતિ સાથે તૈયાર છે. વિપક્ષ ખેડૂત, કાશ્મીર, ચીન, ગૌરક્ષક અને જીએસટી મુદ્દે સરકારનો વિરોધ કરશે. ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા વડા પ્રધાને મીડિયા સાથે વાત કરી હતી અને તેમાં જીએસટીને ‘ગ્રાવિંગ સ્ટ્રોંગ ટુગેધર’ એવું એક નવું નામ આપ્યું હતું.

મોનસૂન સત્ર શરૂ થતા પહેલાં વડા પ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, જીએસટીના કારણે સત્ર નવા ઉમંગ અને ઉત્સાહથી ભરેલું રહેશે. મીડિયા સાથે વાત કરતા મોદીએ જીએસટીને ‘ગ્રાવિંગ સ્ટ્રોંગ ટુગેધર’ એવું એક નવું નામ આપ્યું હતું.  તેમણે કહ્યું હતું કે, આ સત્રમાં જ દેશના નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ મળશે. તે ઉપરાંત સત્ર દરમિયાન 9 અૉગસ્ટે ક્વિટ ઈન્ડિયાને પણ 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 15 અૉગસ્ટ પણ આવી રહી છે. તેથી આ સત્ર ઉપર દેશના દરેક લોકોની નજર રહેશે. આ સત્રમાં રાષ્ટ્રહિતને લગતા ઘણાં નિર્ણયો પણ લેવામાં આવશે. તેથી આ મહત્ત્વપૂર્ણ સત્રમાં દરેક પક્ષ સહયોગ કરે તેવી અપેક્ષા છે.

નોંધનીય છે કે, સત્રના પહેલા દિવસે સદનમાં કોઈ કામ થશે નહીં. આ દિવસે સ્વર્ગસ્થ થયેલા લોકસભાના સભ્ય અને અભિનેતા વિનોદ ખન્ના અને રાજ્યસભાના સભ્ય પૂર્વ કેન્દ્રીય મંત્રી અનિલ માધવને શ્રદ્ધાંજલિ આપીને કાર્યવાહી સ્થગિત કરવામાં આવશે.

મોનસૂન સેશન અને રાષ્ટ્રપતિ ચૂંટણી વિશે સંસદમાં રવિવારે એનડીએ લીડર્સની એક માટિંગ કરવામાં આવી હતી. આ માટિંગમાં એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર રામનાથ કોવિન્દ પણ હાજર રહ્યા હતા. સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે જણાવ્યું કે, અમે 40 પાર્ટીઓના સપોર્ટથી આગળ વધી રહ્યા છીએ.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer