શૅર અને કૉમોડિટીઝની લે-વેચ માટે એક જ બૅન્ક એકાઉન્ટ

મુંબઈ, તા. 17 : સેબીએ નાના રોકાણકારો માટે શૅર અને કૉમોડિટી વચ્ચે નાણાંની ટ્રાન્સફર સરળ બનાવી છે. ગયા સપ્તાહે બ્રોકર્સ અને સબ-બ્રોકર્સ માટે એક મહત્ત્વની જાહેરાત થઈ છે, જેમાં સેબીએ ખાસ પેપરવર્ક વગર શૅર ટ્રેડિંગ માટે રજિસ્ટર્ડ બ્રોકર્સને કૉમોડિટીમાં અને કૉમોડિટી ટ્રેડિંગ માટે રજિસ્ટર્ડ બ્રોકર્સને શૅરમાં ટ્રેડિંગની મંજૂરી આપી છે.

હવે બ્રોકર્સ અન્ય સેગમેન્ટમાં ટ્રેડિંગ માટે બીજી વેરિફિકેશન પ્રક્રિયા નહીં કરવી પડે અને વૈકલ્પિક ખાતું પણ નહીં રાખવું પડે. એન્જલ બ્રોકિંગના ડિરેક્ટર લલિત ઠક્કરે જણાવ્યું હતું કે, “ભવિષ્યમાં ગ્રાહક એસેટ કલાસમાં સ્વિમિંગ કરવા માગતો હશે તો એ ખાસ પેપરવર્ક વગર સિંગલ ક્લિકથી થઈ શકશે. અગાઉ કલાયન્ટનું ટ્રેડિંગ માત્ર એક એસેટ કલાસ પૂરતું મર્યાદિત હતું.’’ એન્જલ બ્રોકિંગ, એડલવાઈઝ અને મોતીલાલ ઓસ્વાલ સહિતના મોટા બ્રોકિંગ હાઉસ પાસે કૉમોડિટી ટ્રેડિંગ માટે અલગ સબસિડિયરી છે. રોકાણકાર દર વખતે શૅરમાંથી કૉમોડિટીમાં ટ્રેડિંગ કરવા માગતો હોય તો આવું કરવા માટે મંજૂરીની જરૂર પડતી હતી.

આવા બ્રોકિંગ હાઉસ માટે બે અલગ કંપનીઓને જાળવવાની પ્રક્રિયા અને ખર્ચમાં ઘટાડો થશે. જોકે, રિટેલ ગ્રાહકોને ખાસ અસર નહીં થાય. આનંદ રાઠી ફાઈનાન્શિયલ સર્વિસિસની સબસિડિયરી આનંદ રાઠી કૉમોડિટીઝના ડિરેક્ટર અમિત રાઠીને ખર્ચમાં ઓછામાં ઓછા 10 ટકા ઘટાડાનો અંદાજ છે. જોકે, માત્ર કૉમોડિટી કે ઇક્વિટીમાં ટ્રેડિંગ કરતા નાના બ્રોકર્સ માટે આ પગલું ‘ગેમ ચેન્જર’ સાબિત થશે. કોઈ પણ ફાઈનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ માર્કેટમાં યુનિફાઈડ માર્કેટ લાઈસન્સ માટે આ પગલું પૂર્વતૈયારી પુરવાર થશે. યુનિફાઈડ માર્કેટ લાઇસન્સના ભાગરૂપે એનએસઈ કે બીએસઈ જેવા ઇક્વિટી એક્સ્ચેન્જ કૉમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ અને એમસીએક્સ, એનસીડીઈએક્સ જેવા કૉમોડિટી એક્સ્ચેન્જ ઇક્વિટી ટ્રેડિંગ અૉફર કરી શકશે. સેબીએ હજુ યુનિફાઈડ બ્રોકર્સ લાઈસન્સ માટે નિયમ નક્કી કરવાના બાકી છે, પણ બજાર વર્તુળોના મતે આ પગલાથી ઇક્વિટી અને કૉમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટના ટર્નઓવરમાં વધારો નોંધાશે. ક્રોસસીઝ કેપિટલના એમડી રાજેશ બહેતી પણ આ વાત સાથે સંમત છે. તેમણે કહ્યું હતું કે, “અત્યારે ટ્રેડરને ઇક્વિટીમાંથી કૉમોડિટી સેગમેન્ટમાં નાણાં ટ્રાન્સફર કરતાં એક દિવસ લાગે છે. આ પગલાથી એ એક દિવસ બચી જશે.’’ ક્રોસસીઝ એનએસઈના અગ્રણી પ્રોપરાયટરી ટ્રેડર્સમાં સામેલ છે. એનએસઈ અને બીએસઈનું સંયુક્ત ડિમેટ ટર્નઓવર કેલેન્ડર વર્ષ 2019માં રૂા. 709.46 લાખ કરોડ હતું, જે અગાઉના વર્ષની તુલનામાં 31 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

સમાન ગાળામાં એમસીએક્સ, એનસીડીઈએક્સ અને એનએમસીઈનું કુલ ટર્નઓવર કુલ 2 ટકા વધીને રૂા. 51.15 લાખ કરોડ થયું છે. સુવન લો એડ્વાઈઝર્સે જણાવ્યું હતું કે, “સેબી આ પગલાથી સેટલમેન્ટ અને રિસ્ક - મેનેજમેન્ટ મિકેનિઝમનું સારું મોનિટરિંગ કરી શકશે. રોકાણકારો માટે ‘ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસ’’ અને વધુ સારા નિયમનનો એક નવો યુગ શરૂ થશે.’’

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer