સારું વર્તન અને શિસ્તપાલનના કારણે સંજયની વહેલી જેલમુક્તિ
સરકારે કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું

મુંબઈ, તા.17 : જેલવાસ દરમિયાન સારું વર્તન અને શિસ્તપાલનને ધ્યાનમાં લઇને અભિનેતા સંજય દત્તને તેની જેલની સજાની અવધી પૂર્ણ થાય તે પહેલાં મુક્ત કરાયો હતો, એમ મહારાષ્ટ્ર સરકારે આજે મુંબઈ હાઇ કોર્ટમાં સાત પાનાના સોગંદનામા સાથે જણાવ્યું હતું.

પુણેના રહેવાસી પ્રદીપ ભાલેકરે સંજય દત્તની વહેલી જેલ મુક્તિ સામે પ્રશ્નો ઉઠાવતી જન હિતની અરજી કરી હતી, તેની આ અગાઉની સુનાવણીમાં કોર્ટે પખવાડિયામાં સોગંદનામા સાથે પ્રત્યુત્તર આપવાનો આદેશ કર્યો હતો. આજે કોર્ટ સમક્ષ મહારાષ્ટ્રના ઍડવોકેટ જર્નલ આશુતોષ કુંભકોણી તરફથી સોગંદનામું રાખવામાં આવ્યું હતું. સોગંદનામામાં જણાવાયું હતું કે જેલવાસ દરમિયાન સંજય દત્તનું વર્તન સારું રહ્યું હતું અને તેને સોંપાયેલાં શૈક્ષણિક તેમ જ શારીરિક પ્રશિક્ષણ પણ તેણે સહજતાથી પૂર્ણ કર્યાં હતાં. નિયમ પ્રમાણે તેની સજામાં જરૂરી ઘટાડો સરકાર તરફથી કરાયો હતો અને જેલની સજાનો સમય પૂરો થાય તે અગાઉ તેને મુક્ત કરાયો હતો. 

વર્ષ 1993માં મુંબઈમાં થયેલાં શ્રેણીબદ્ધ બૉમ્બ કાંડમાં સંજય દત્તની ધરપકડ થઇ હતી અને બાદમાં તેના વિરુદ્ધ હથિયાર ધારા અંતર્ગત લાંબો કેસ ચાલ્યો હતો. ધરપકડ બાદ 16 મહિના તે જેલમાં રહ્યો હતો અને આ હથિયાર ધારાના કેસમાં સુપ્રીમ કોર્ટે તેની સજા ઘટાડી હતી, ત્યાર બાદ ફરીથી તે પોલીસમાં હાજર થયો હતો અને જેલમાં બાકીની અઢી વર્ષની સજા માટે મોકલાયો હતો. જૂન 2013થી ફેબ્રુઆરી 2016 સુધીની જેલની સજા દરમિયાન કુલ 256 દિવસ તો સંજય દત્ત પેરોલ કે ફરલો પર બહાર રહ્યો હતો. 19 આ2ક્ટોબર 2015ના વિશેષ અરજી કરીને સંજય દત્તે સજા માફીની અરજી કરી હતી, જે રાજ્ય સરકારે નકારી કાઢી હતી. પરંતુ જેલમાં તેના વર્તન અને શિસ્તપાલનને ધ્યાનમાં લઇને સરકારે તેને આઠ મહિના અને 16 દિવસ અગાઉ જ મુક્ત કર્યો હતો. આ સાથે જ સરકારે સંજય દત્તને પેરોલ અને ફરલોની સજા પણ નિયમાનુસાર જ મંજૂર કરાઇ હોવાનો દાવો કર્યો હતો.