સમગ્ર મુંબઈના રૅશન દુકાનદારો દ્વારા પહેલી અૉગસ્ટથી બંધની ચેતવણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : અહીંની 40-50 રૅશન દુકાનોના ભેદભાવભર્યા સસ્પેન્સન સામેનો મનાઈહુકમ ઉઠાવી લેવાતાં વેપારીઓમાં નારાજગી વ્યાપી છે અને સરકાર ન્યાયી પગલાં નહિ લેતાં પહેલી અૉગસ્ટથી સમગ્ર મુંબઈની તમામ રૅશનિંગ દુકાનો રાજ્યવ્યાપી બંધમાં જોડાશે.

આ બાબત મુંબઈ રૅશન દુકાનદાર સંગઠનાના પ્રમુખ નવીન મારૂએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આ ચેતવણી આપી છે. નવીનભાઈએ વિગતે વાત કરતાં જણાવ્યું કે, કેટલીક દુકાનોમાં ગેરરીતિ જણાતાં 40-50 દુકાનોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. જેની 

સામે અન્ન અને નાગરિક પુરવઠા ખાતામાંથી સ્ટે (મનાઈહુકમ) લેવાયો હતો જે ઉઠાવી લેવાયો છે. તો એ જ જી રીજનની અમુક દુકાનોને સ્ટે આપ્યો છે.

આવી ભેદભાવભરી નીતિનો સખત વિરોધ કરતાં નવીન મારૂએ આક્ષેપ કર્યો છે કે, ભ્રષ્ટાચારના આરોપ હેઠળ દુકાનદારો સામે પગલાં લેવાય છે તો બીજા દુકાનદારોને સ્ટે અપાય છે, જેમાં ભ્રષ્ટાચાર નથી થયો? ખરેખર તો સંબંધિત પ્રધાને રાજીનામું આપવું જોઈએ.

તેમણે આગળ કહ્યું કે, સરકારની યોજના મુજબ બે રૂા. કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા અપાય છે, જેમાં હોમ ડિલિવરી કરવાની હોય છે. એટલે કે દુકાન સુધી માલ પહોંચાડવો જોઈએ. તેના બદલે દુકાનદારને કિલો દીઠ 1 રૂા. 20 પૈસા ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગે છે. એટલે વેપારીને ભ્રષ્ટાચાર કરવા માટે ખુદ સરકાર જવાબદાર છે.

વળી, એમણે જણાવ્યું કે, દુકાનદારોને માલ અપાય છે જે એફસીઆઈના ગોડાઉનમાંથી સીધો આવે છે, જેમાં ગૂણીના વજનમાં વધઘટ હોય છે. તેનું વજન સ્ટાન્ડર્ડ હોતું નથી. આ બાબતને ભ્રષ્ટાચારમાં ગણવામાં આવે છે. સરકાર ન્યાય નહિ આપે તો પહેલી અૉગસ્ટથી સમગ્ર મહારાષ્ટ્રના દુકાનદારો બંધ પાળવાના છે, એ બંધમાં મુંબઈના દુકાનદારો જોડાશે. મહારાષ્ટ્ર બંધનું એલાન અૉલ મહારાષ્ટ્ર ફેરપ્રાઈસ શોપ ફેડરેશનના પ્રમુખ ગજાનન બાબરે આપ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer