વર્ષમાં બે ગ્રાંડસ્લેમ ખિતાબ જીતવાનું સપને પણ વિચાર્યું નહોતું : ફેડરર
ક્રમાંક નહીં વધુ ને વધુ ખિતાબનું લક્ષ્ય: મુગુરુઝા

લંડન, તા.17 : રેકોર્ડ આઠમીવાર વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટ જીતીને ઇતિહાસ રચનાર રોઝર ફેડરરે સ્વીકાર્યું છે કે તેણે કયારેય પણ વિચાર્યું નહોતું કે તે 2017માં બે ગ્રાંડસ્લેમ ખિતાબ જીતશે. જો કોઇ આવું કહેત તો હું તેની મજાક ઉડાડત. 

ફેડરરે 16 વર્ષ પહેલા અમેરિકાના પીટ સામ્પ્રાસને હરાવીને પહેલો વિમ્બલ્ડન ખિતાબ જીત્યો હતો. ગઇકાલે મારિત સિલિચને હરાવીને ચેમ્પિયન બનનાર ફેડરરે ભાવુક થઇને કહયું કે પીટને હરાવ્યા બાદ મેં કયારેય પણ વિચાર્યું ન હતું કે હું આટલો સફળ રહીશ. સપનામાં પણ વિચાર્યું નહોતું કે આઠ ખિતાબ કબજે કરીશ.

જયારે મહિલા વિભાગની વિજેતા સ્પેનની મુગુરુઝાએ કહ્યંy કે તેનું લક્ષ્ય ક્રમાંક સુધારવા પર નહીં, વધુ ને વધુ ગ્રાંડસ્લેમ ખિતાબ જીતવાનું છે. વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બન્યા બાદ મુગુરુઝા 10 સ્થાનના ફાયદાથી પાંચમા નંબર પર પહોંચી ગઇ છે. તે કહે છે કે નંબર એક, બે ,ત્રણ ફકત આંકડાની રમત છે. મહત્ત્વનું એ છે કે તમે કેટલા ગ્રાંડસ્લેમ જીતો છે. તેની તુલના થઇ શકે નહીં. નંબર વન બનવું ચોક્કસ અદ્ભૂત અનુભૂતિ હશે, પણ વિજેતા બનવા પર વધુ ખુશી મળે છે. મુગુરુઝાએ ફાઇનલમાં વિનસ વિલિયમ્સ સામે 7-પ અને 6-0થી જીત મેળવી હતી.