શ્રીલંકાના પ્રવાસમાંથી ઇજાગ્રસ્ત મુરલી વિજય બહાર
શિખર ધવનનો ટેસ્ટ શ્રેણીની ટીમમાં સમાવેશ

મુંબઇ, તા.17 : ટીમ ઇન્ડિયાને શ્રીલંકના પ્રવાસ પહેલા મોટો ફટકો પડયો છે. નિયમિત ટેસ્ટ ઓપનિંગ બેટસમેન મુરલી વિજય ઇજાને લીધે શ્રીલંકાના પ્રવાસની બહાર થઇ ગયો છે. આથી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં તેના સ્થાને શિખર ધવનનો ભારતીય ટીમમાં સમાવેશ થયો છે. શ્રીલંકાના પ્રવાસની તૈયારીના ભાગરૂપે રમાઇ રહેલ અભ્યાસ મેચ દરમિયાન મુરલી વિજયની જમણા હાથના કાંડામાં દર્દ મહેસૂસ થયું હતું. સ્કેન બાદ તેની ઇજા જોખમરૂપ હોવાથી તેને વિશ્રામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી બીસીસીઆઇએ તેના ટિવટર એકાઉન્ટ પર ઇજાગ્રસ્ત મુરલી વિજયના સ્થાને શ્રીલંકા વિરૂધ્ધની ટેસ્ટ શ્રેણીમાં શિખર ધવનનો સમાવેશ કરાયાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ, પાંચ વન ડે અને એક ટી-20 મેચ રમવાની છે. પહેલો ટેસ્ટ 26 જુલાઇથી શરૂ થશે.