ઝિમ્બાબ્વેને ઇતિહાસ રચવા સાત વિકેટની અને શ્રી લંકાને જીત માટે 218 રનની જરૂર

બીજા દાવમાં શ્રીલંકાના 3 વિકેટે 170: એકમાત્ર ટેસ્ટ આખરી દિવસે રોમાંચક સ્થિતિમાં

કોલંબો, તા.17: ઝિમ્બાબ્વે અને શ્રીલંકા વચ્ચેનો એક માત્ર ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગયો છે. મેચના આવતીકાલે આખરી દિવસે બન્ને ટીમ પાસે જીતની તક છે. ઝિમ્બાબ્વેને ઇતિહાસ સર્જવા 7 વિકેટની જરૂર છે. જ્યારે શ્રીલંકાને જીત માટે આખરી દિવસે 218 રન કરવાના છે. અને સાત વિકેટ હાથમાં છે. લંકાની જીત માટે કુશાલ મેન્ડીસ અને પૂર્વ સુકાની એન્જલો મેથ્યૂસની જોડી મહત્ત્વની બની રહેશે. જે બન્ને અનુક્રમે 60 અને 17 રને ચોથા દિવસના અંતે નોટઆઉટ  રહ્યા હતા.

આજે મેચના ચોથા દિવસે ઝિમ્બાબ્વેનો બીજો દાવ 377 રને સમાપ્ત થયો હતો. સિકંદર રઝાએ સદી પૂરી કરીને 127 રન કર્યા હતા. જ્યારે વોલર 68 અને ક્રેમર 48 રન કરી આઉટ થયા હતા. ઝિમ્બાબ્વેને પ્રથમ દાવમાં 10 રનની સરસાઇ મળી હતી. આથી શ્રીલંકાને જીતનું લક્ષ્યાંક 388 રનનું મળ્યું હતું. લંકા  તરફથી હેરાથે 6 વિકેટ લીધી હતી.

 388 રનના કપરા વિજય લક્ષ્યાંક સામે બીજા દાવમાં શ્રીલંકાએ 3 વિકેટે 170 રન 48 ઓવરમાં કર્યાં હતા. કરુણારત્ને 49, થરંગા 27 અને સુકાની ચંદિમાલ 15 રને આઉટ થયા હતા. મેન્ડીસ 60 તથા મેથ્યૂસ 17 રને અણનમ રહ્યા હતા. ક્રેમરે 2 વિકેટ લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer