હેવીવેઇટ શૅર્સના સહારે નિફ્ટી 9900ના સ્તરની પાર
રિલાયન્સ, વિપ્રો અને ઇન્ફોસીસે તેજીનો દોર આગળ વધાર્યો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : શેરબજારની આગેકૂચ ચાલુ રહી છે. આઈટી અૉટો અને મેટલ શેરો સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વિક્રમી ભાવને લીધે એનએસઈ ખાતે નિફ્ટી 50 પ્રથમવાર 9,900ની સપાટી પાર કરીને થોડા ફેડરેશન પછી અંતે 29 વધીને 9,915 બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષ ટ્રેડીંગ દરમિયાન સૌથી ઊંચી ટોચ 32,131  થઈને અને 54 વધીને 32,074 પોઈન્ટ્સના સ્તરે બંધ રહ્યો હતો. જોકે, આજે સમગ્ર રીતે બજારનું વલણ સહેજ નકારાત્મક રહેવાથી બીએસઈ ખાતે કુલ 1382 શૅર ઘટયા હતા. જ્યારે 1294 શૅર સુધર્યા હતા. મીડકેપ ઈન્ડેક્સ 0.2 ટકા ઘટયો હતો.

અગ્રણી ટેકશૅર ઈન્ફોસીસ અને વીપ્રો 3 ટકા સાથે એચસીએલ ટેક્નોલોજીમાં 2 ટકા સુધારાથી ટેક ઈન્ડેક્સ એક ટકા વધ્યો હતો. નીફ્ટી રીયલ્ટી ઈન્ડેક્સ 2.4 ટકા સુધર્યો હતો. જેમાં યુનીટેકમાં 15 ટકા, ડેલ્ટા કોર્પોરેશન, ગોદરેજ પ્રોપર્ટી અને ઈન્ડીયાબુલ્સ રિયલ એસ્ટેટ 1થી 3 ટકા સુધર્યા હતા. સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ માર્કેટ કેપીટલાઈઝેશનનો $ 5 લાખ કરોડનો આંક સર કર્યો હતો અને તેના શૅરનો ભાવ વર્ષની ટોચે હતો. જોકે, સિગારેટ પરનો જીએસટી વધવાના સંકેતથી આઈટીસી ઊંચા મથાળેથી 4 ટકા રહીને $ 323 થયો હતો.

જીઓજીત ફાયનાન્સીયલ સર્વિસીસના વ્યુહકાર આનંદ જેમ્સે જણાવ્યું હતું કે સંસદનું સત્ર શરૂ થયું છે. જેથી સરકારના ચીન સરહદે તણાવ વિશેની સ્પષ્ટતા સાથે કોર્પોરેટ પરિણામોની અસર રોકાણકારો પર પડશે. નીફ્ટી માટે 10,000ની સપાટી હવે બહુ દૂર નથી. આજે ક્ષેત્રવાર નીફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ એક ટકા અને બૅન્કિંગ ઈન્ડેક્સ 0.4 ટકા ઘટયા હતા. જ્યુબીલીયન્ટ રૂટ 4 ટકા વધીને $ 1215 ક્વોટ થયો હતો. ઈન્દ્રપ્રસ્થ ગૅસ 3 ટકા વધીને વર્ષની ટોચે હતો.

વૈશ્વિક બજારોમાં આજે ચીનના 6.9 ટકાના વૃદ્ધિદરના આંકડાઓથી જોમ આવ્યું હતું. એશીયન બજારો બે વર્ષની ટોચે પહોંચ્યા હતા. ચીનનો વૃદ્ધિદર અપેક્ષાથી સારો આવ્યો છે.

જોકે,  ફેડ રિઝર્વની વ્યાજદર બાબતની અનિશ્ચિતતાથી શૅરનો સુધારો સિમીત હતો. યુરોપીયન બજારોની મિશ્ર વલણ વચ્ચે યુરોપીયન સ્ટોક્સ 600, 0.2 ટકા સુધર્યો હતો. બ્રિટનનો એફટીએસઈ 0.3 ટકા વધ્યો હતો. જોકે, ફ્રાન્સ ખાતે સીએસી 40 અને જર્મનીનો ડેક્સ અનુક્રમે 0.2 અને 04. ટકા ઘટાડે રહ્યાં હતા.