ફેડ દરની ચિંતા ટળતાં સોનું સુધર્યું : ચાંદીમાં તેજી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 17 : ફુગાવાનો દર નીચે ગયા પછી અમેરિકામાં ભવિષ્યમાં થનારા વ્યાજદર વધારાનું ભાવિ ધૂંધળું ભાસવા લાગતા ડૉલરનું મૂલ્ય કથળ્યું હતું. તેના પરિણામે સોનામાં મજબૂતી હતી. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 1233 ડૉલર હતો. ડૉલરની સાથે બોન્ડના યીલ્ડ પણ નીચે ગયા છે. તેની અસરથી સોનામાં ફંડો અને રોકાણકારોની ખરીદી વધી હતી. વિશ્લેષકો કહે છે, 1230 ડૉલરની સપાટી ઉપર સોનું જળવાય રહે તો સુધારાની શક્યતા વધી જશે. અમેરિકામાં નીચે ગયેલો ફુગાવો ઘટતી જતી ગ્રાહક માગનું સૂચન કરે છે. ડૉલરનું મૂલ્ય મોટા ભાગની કરન્સીઓ સામે સોમવારે ઇન્ટ્રા ડેમાં દસ મહિનાની નીચી સપાટીએ હતું. અૉસ્ટ્રેલિયન ડૉલર અને અન્ય ઊંચું વળતર આપનારી કરન્સીઓ તરફ રોકાણકારો આકર્ષાયા હતા. ચીનનો આર્થિક વિકાસ બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતા ઝડપથી થયો છે. 2017નો વિકાસદરનો લક્ષ્યાંક ચીન સર કરી લેશે એવી ધારણાએ પણ ડૉલર પર દબાણ આવ્યું છે. જો ચીનનો વિકાસ વધે તો સોનાની ફિઝિકલ માગમાં પણ સુધારો થશે.

રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂા. 100 સુધરીને રૂા. 29,100 ની સપાટીએ હતો. મુંબઈમાં રૂા. 190 વધતા રૂા. 28,200 હતા. ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ 16.09 ડૉલરની સપાટીએ હતો. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 300ની તેજી સાથે રૂા. 38,000 હતી. મુંબઈમાં રૂા. 710 વધી જતા રૂા. 37,200 રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer