રૂા. પાંચ લાખ કરોડની માર્કેટ કૅપ સાથે રિલાયન્સ સૌથી મૂલ્યવાન કંપની બની

કંપનીનો શૅર બાવન સપ્તાહની ટોચે સ્પર્શ્યો

મુંબઈ, તા. 17 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. સોમવારે બપોરે દેશના શૅરબજારમાં સૌથી મૂલ્યવાન કંપની બની હતી. રિલાયન્સનો શૅર બાવન સપ્તાહની ટોચે પહોંચ્યો હતો, એટલું જ નહીં રૂા. પાંચ લાખ કરોડના માર્કેટ કૅપિટલાઇઝેશન સાથે તે સૌથી મૂલ્યવાન કંપની બની છે.

સોમવારે બપોરે 12.20 કલાકે રિલાયન્સની માર્કેટ કૅપ 5,05,970 કરોડ થઇ હતી. માર્કેટ કૅપની દૃષ્ટિએ રિલાયન્સનો શૅર તાતા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)થી વધ્યો હતો.

જુલાઇમાં અત્યાર સુધી રિલાયન્સનો શૅર 11 ટકા વધ્યો છે. ઓઇલથી લઇને ટેલિકોમ સેક્ટર સુધી પોતાનો બિઝનેસ ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાનું પરિણામ આવતા ગુરુવારે જાહેર કરે તેવી શક્યતા છે, તે  પછીના દિવસે રિલાયન્સની એજીએમ થવાની ધારણા માર્કેટ સમીક્ષકોની છે.

કંપનીનાં ત્રિમાસિક પરિણામો અને એજીએમ બન્નેમાં તેના ટેલિકોમ બિઝનેસના દેખાવ ઉપર માર્કેટનું ધ્યાન રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer