નવા નાણાં વર્ષનો પ્રારંભ ક્યારથી કરવો ? સરકારે મંથન શરૂ કર્યું

નવી દિલ્હી, તા. 17 : નવા નાણાં વર્ષનો અમલ ક્યારથી કરવો તે નક્કી કરવાની કવાયત સરકારે શરૂ કરી છે.

વર્ષ 2018 અથવા 2019થી નવા નાણાં વર્ષના અમલના વિકલ્પ છે, તે બેમાંથી કયું વર્ષ નક્કી કરવું તેનું મંથન સરકાર કરી રહી છે. નાણાં વર્ષની શરૂઆત 1 જાન્યુઆરીથી કરવાનો સૈદ્ધાન્તિક નિર્ણય લીધા બાદ સરકાર હવે તેના અમલ વિશે ગંભીરતાથી વિચારી રહી છે.

1 એપ્રિલના સ્થાને 1 જાન્યુઆરીથી નાણાં વર્ષ શરૂ કરવા માટે એકંદરે સર્વાનુમત છે, પણ ક્યારથી તેનો અમલ કરવો તે મુખ્ય પ્રશ્ન છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

નોટબંધી અને જીએસટી બાદ અર્થતંત્ર થાળે પડી રહ્યું છે ત્યારે નવું નાણાં વર્ષ ક્યારથી શરૂ કરવું તે વિશે સરકાર કોઇ ઉતાવળે નિર્ણય લેવા માગતી નથી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

1 જાન્યુઆરી, 2018થી નવા નાણાં વર્ષની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવે તો બજેટના શેડયુલને વહેલું કરવું પડે અને તેની તૈયારી અત્યારથી જ કરવી પડે. આ સંજોગોમાં વર્ષ 2018નું બજેટ આ વર્ષના અંતે જ રજૂ કરવું પડે અને તેનાથી એકાઉન્ટ્સને લગતા ફેરફાર મોટા પ્રમાણમાં કરવા પડે.

પણ જો વર્ષ 2019થી નવા નાણાં વર્ષનો પ્રારંભ કરવાનો નિર્ણય લેવામાં આવે તો ત્યારે પણ મોટા પડકારોનો સામનો કરવો પડે, કારણકે ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પણ યોજાશે.

આ સાથે ચોમાસા અથવા દિવાળીના આધારે કૅલેન્ડર વર્ષ બદલવા વિશે પણ ચર્ચા થઇ છે અને તે વિશે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer