હવે મધ્ય વૈતરણા જળાશય પણ છલકાયું, નીચાણવાળા વિસ્તારોમાં ઍલર્ટ
મુંબઈ, તા.17 : મુંબઈની જેમ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પણ છેલ્લા ચાર દિવસથી સતત વરસાદના કારણે મુંબઈને પાણી પૂરું પાડતા સાતેય જળાશયોમાં પાણીની સારી આવક નોંધાઇ રહી છે. ગયા મહિને સૌથી નાના પવઇના વિહાર બાદ મોડકસાગર જળાશય છલકાતાં આજે મોડકસાગરના બે દરવાજા પણ ખુલ્લા મુકાયા હતા અને વૈતરણા નદીના કાંઠે રહેતા લોકોને સતર્ક રહેવાની જાહેર સૂચના આપવામાં આવી હતી. દરમિયાન આજે મધ્યવૈતરણા જળાશય પણ છલકાઇ ગયાની માહિતી પાલિકાએ આપી હતી.

સતત વરસાદના પગલે નાશિક શહેરને પાણી પૂરું પાડતું ગંગાપુર જળાશય 72 ટકા સુધી ભરાઇ ગયું છે. આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ગંગાપુર જળાશયમાં 2000 ક્યુસેક વેગથી પાણી છોડવામાં આવ્યું હતું અને નદીના કાંઠે રહેતા લોકોને સતર્ક રહેવાની જાહેર સૂચના પ્રશાસને આપી હતી.