મુંબઈમાં મેઘરાજાની ઝંઝાવાતી બૅટિંગ
શહેરમાં સરેરાશ બે ઇંચ, મુલુંડમાં સર્વાધિક અઢી ઇંચ જ્યારે મલાડમાં સૌથી ઓછો સવા ઇંચ વરસાદ

મુંબઈ, તા.17 : છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદથી મુંબઈની ધરા તૃપ્ત થઇ રહી છે, મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સાર્વત્રિક વરસાદથી શહેરને પાણી પૂરું પાડતા સાતેય જળાશયોમાં પણ પાણીનો વધુને વધુ પુરવઠો ઉમેરાઇ રહ્યો છે. આજે સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીના સાત કલાકમાં તળ મુંબઈમાં એક ઇંચ જ્યારે પરાં વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયાનું વેધશાળાએ જણાવ્યું હતું. પાલિકાના આંકડા પ્રમાણે આ સાત કલાકમાં તળ મુંબઈમાં સવા ઇંચ, પૂર્વના પરાં વિસ્તારમાં દોઢ ઇંચ જ્યારે પશ્ચિમના પરાં વિસ્તારમાં પણ સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં મુંબઈમાં હળવાથી ભારે વરસાદના ઝાંપટા થતાં રહેશે. 

પાલિકાએ છેલ્લા રવિવારે સવારથી સોમવારે સવાર સુધીના ચોવીસ કલાકમાં કેટલાંક વિસ્તારોમાં થયેલાં વરસાદના આંકડા જાહેર કર્યા હતા તે પ્રમાણે ગિરગાંવમાં બે ઇંચ, અંધેરીમાં સવા બે ઇંચ, બોરીવલીમાં દોઢ ઇંચ, ભાંડુપમાં અઢી ઇંચ, ચેમ્બુરમાં બે ઇંચ, કોલાબામાં પોણા બે ઇંચ, દાદરમાં દોઢ ઇંચ, દહિસરમાં દોઢ ઇંચ, ઘાટકોપરમાં સવા બે ઇંચ, મલાડમાં મુંબઈમાં સૌથી ઓછો સવા ઇંચ, જ્યારે મુલુંડમાં સર્વાધિક પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

સતત વરસાદી ઝાપટાં વચ્ચે શહેરના લાલબાગ, પરેલ, વરલી, મુલુંડ, અંધેરી, ઘાટકોપર અને પવઇના નીચાણવાળા કેટલાંય વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ભીડના સમયે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. શૉર્ટ સર્કિટની ફરિયાદ બે જગ્યાએ જ્યારે મુંબઈ પાલિકાની હદમાં બે વૃક્ષ ધરાશાયી થયાંની ફરિયાદો મળી હતી. લોકલ ટ્રેન સર્વિસ વીસથી પચીસ મિનિટ મોડી દોડતી હતી જો કે વરસાદ ત્રુટક-ત્રુટક હોવાથી ખાસ કોઇ તકલીફ જોવા મળી નથી. સોમવારે સવારે 5.49 વાગ્યે અને સાંજે 5.44 વાગ્યે દરિયામાં ભરતીનો સમય હતો અને અનુક્રમે 3.37 અને 3.73 મિટર ઉંચાઇની દરિયાઇ લહેરો ઉઠી હતી. તેના કારણે શહેરના નાળાઓ મારફતે દરિયામાં ઠલવાતો પાણીનો પ્રવાહ અટક્યો હતો, જેના કારણે કેટલાંક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાતા લોકોની હાલાકી થઇ હતી.