પનામા ગેટ : નવાઝની ટીમનો નનૈયો

ભ્રષ્ટાચારનો સમિતિનો અહેવાલ નકાર્યો : સોશિયલ મીડિયા પર `સૈન્ય ષડ્યંત્ર'ની આશંકા

ઈસ્લામાબાદ, તા.17 (પીટીઆઈ) : ચોમેરથી ઘેરાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની કાનૂની ટીમે આજે પનામા ગેટની તપાસ સમિતિના અહેવાલને ગેરકાયદે તેમજ પૂર્વ ગ્રહ સાથેનો ગણાવીને નકારી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આજે પનામાગેટ ભ્રષ્ટાચાર કેસની સુનાવણી ફરી શરૂ કરી હતી.

બીજી તરફ, પાક સૈન્ય નવાઝ શરીફ સરકારને અસ્થિર કરવાના ઈરાદે આ તપાસના ઉપયોગનું ષડ્યંત્ર રચી રહ્યું છે,તેવી અટકળો પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર ભારે ફરતી થઈ હતી. જો કે, પાક સેનાએ આવા આક્ષેપો નકારી દીધા હતા.

સુપ્રીમ કોર્ટ રચિત છ સભ્યોની સંયુક્ત તપાસ ટીમના અહેવાલના પ્રત્યુત્તરમાં ખ્વાજા હારીસે શરીફ વતી આ અહેવાલનાં તારણો નકારી દેતાં સમિતિનો અહેવાલ પૂર્વગ્રહ સાથેનો હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં, વિદેશોમાંથી મેળવાયેલા દસ્તાવેજો સામે વાંધો ઉઠાવતાં તેમણે કહ્યું હતું કે, તે આપણા દેશના કાયદાથી વિરુદ્ધ છે.

નવાઝ વતી હારીસે સુપ્રીમ કોર્ટને પનામા પેપર ભ્રષ્ટાચારની તપાસ સમિતિનો અહેવાલ રદ્દ કરી દેવાની અપીલ પણ કરી હતી.

અગાઉ ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તેહરિક-એ- ઈન્સાફ વતી નઈમ બોખારીએ સમિતિના અહેવાલને આવકારતાં અદાલતને તેનો અમલ કરી, વડાપ્રધાનને ગેરલાયક ઠેરવવા માંગ કરી હતી.

દરમ્યાન, પાકમાં સોશિયલ મીડિયા પર શરીફ વિરુદ્ધ ષડ્યંત્રના આક્ષેપ સેનાએ નકારી દીધા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer