આસામમાં દસ લાખ ઘર હજુ પાણીમાં
મૃત્યુઆંક 61 : વરસાદ ઘટતાં રાહત; બિહારમાં ભારે વર્ષા, ઉત્તરાખંડમાં ઍલર્ટ, ઓરિસ્સા, આંધ્ર, મણિપુરમાં જળબંબાકાર

નવી દિલ્હી, તા. 17 : આસામ ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ,ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ગુજરાત સહિત અર્ધું ભારત ભારે વર્ષાથી બેહાલ છે. આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે, પરંતુ હજુ પણ 118 રાહત કેમ્પમાં ઓછામાં ઓછા 22,000 લોકો આશ્રય લઇ રહ્યા છે. આશરે 10 લાખ લોકોનાં ઘર હજુ પાણીમાં ડૂબેલાં છે. મૃત્યુઆંક 61 થયો છે. બીજી તરફ અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તરાખંડમાં એલર્ટ જાહેર કરાઈ છે. ઉત્તર કાશી, રુદ્રપ્રયાગમાં સાવચેતીનાં પગલાં ભરવામાં આવ્યાં છે.

વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત આસામમાં પૂરના કારણે દક્ષિણ સલમારા, ધુબ્રી અને મોરીગાંવમાં હાલત સૌથી વધારે ખરાબ થયેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  31 હજાર લોકો માટે 363 રાહત કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે.  ભારે વરસાદ અને પૂરના કારણે  રાજ્યમાં 79,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં પાકને નુકસાન થયું છે.

આસામમાં  પૂરની જ્યાં વધારે અસર થઇ છે તેમાં લખીમપુર, શિવસાગર, કચાર, ધેમાજી, વિશ્વનાથ, જોરહાટ, ગોલાઘાટ,કરીમગંજ, સોનિતપુર અને નાલબેરીનો સમાવેશ થાય છે. રાજ્યના 25 જિલ્લાના આશરે 15 લાખ લોકો હજુ પણ પૂરના સકંજામાં છે. ગેંડા માટે વિશ્વભરમાં લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્ક પાણીમાં ગરકાવ છે. પૂર અને ભારે વરસાદના કારણે 73થી વધારે પ્રાણીઓનાં પણ મોત થઇ ચૂક્યાં છે. 

બીજી તરફ બિહારના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કુમાઉમાં ભારે વરસાદના કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયાં છે. પિથોરાગઢના થારકુલાક્ષેત્રમાં સૌથી વધારે હાલત કફોડી બની છે. 13 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. દહેરાદૂન, ઉત્તર કાશી, રુદ્રપ્રયાગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 

ઓરિસ્સામાં પણ ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. દક્ષિણ ઓરિસ્સાના વિજયાનગરમ્ અને શ્રીકાકુલમ્ જિલ્લામાં પૂરની અસર સૌથી  વધારે જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા વચ્ચે ટ્રેનસેવા ખોરવાઈ ગઈ છે. રાયગઢ અને કાલાહાંડી વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડયો છે. ઓરિસ્સા સરકારે હવાઈદળ અને સેનાની મદદ માગી છે.