યાકુબ મેમણની ફાંસીને રોકવા ગોપાલકૃષ્ણ ગાંધીએ લખ્યો હતો પ્રેસિડન્ટને પત્ર
નવી દિલ્હી, તા. 17 : ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં યુપીએના ઉમેદવાર એવા પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાધીએ મુંબઈમાં 1993માં થયેલા બૉમ્બ ધડાકાના દોષી અને ફાંસીની સજા પામેલા યાકુબ મેમણની ફાંસી રોકવા માટે 2015ના જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પત્ર લખ્યો હતો.

આ સંદર્ભમાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે ગોપાલકૃષ્ણ ગાંધીએ યાકુબ મેમણને બચાવવા માટે તેમનાથી થાય તે તમામ પ્રયાસ કર્યા હતા. તેમણે પ્રેસિડન્ટને પત્ર લખ્યો હતો. મારે એ જાણવું છે કે વિપક્ષના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારની માનસિકતા કેવી છે.

જોકે શિવસેનાના આ આરોપ સામે કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે ક્યા આધારે શિવસેના આવા સવાલ કરે છે. ગોપાલકૃષ્ણ ગાંધી સાચા ગાંધીવાદી છે. માનવો પર થતા અત્યાચારના તેઓ સખત વિરોધી રહ્યા છે. જો એ સંદર્ભમાં તેમણે કોઈને થયેલી ફાંસીની સજાનો વિરોધ કર્યો હોય તો તેમના મતને વિકૃત રીતે રજૂ કરવા અને કોમી રંગ આપવાનો કોઈએ પ્રયાસ કરવો જોઈએ નહીં. કૉંગ્રેસને શિવસેના પાસેથી કોઈ સર્ટિફિકેટ જોઈતું નથી.