પાકિસ્તાનના ગોળીબારમાં એક જવાન શહીદ : નવ વર્ષની બાળકીનું મૃત્યુ
પૂંચ અને રાજૌરીમાં પાક સેનાએ માનવ વસાહતોને નિશાન બનાવી : ભારતીય સેનાનો પણ જડબાતોડ જવાબ

નવી દિલ્હી, તા. 17 :  કાશ્મીરમાં રાજૌરી અને પૂંચ વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે પૂંચમાં નવ વર્ષની એક બાળકીનું મૃત્યું થયું છે. નિયંત્રણ રેખા ઉપર રાજૌરીના મનજાકોટે સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ સવારથી  સ્વચાલિત હથિયાર અને મોર્ટારનો મારો શરૂ કર્યો હતો. શસ્ત્રવિરામ ભંગની આ ઘટનાને પગલે પૂંચ, મંઢેર, રાજૌરી વિસ્તારમાં શાળાઓ બંધ કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારતીય સેના દ્વારા  આ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. 

રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટેનેન્ટ મનીષ મહેતાએ કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો.આ ઘટનામાં મુદ્દસર અહેમદ નામનો જવાન શહીદ થયો છે જ્યારે પૂંચની નવ વર્ષની સાજિદા કફીલે જીવ ગુમાવ્યો છ જ્યારે બે મહિલાઓને ઈજા પણ પહોંચી છે. પાકિસ્તાનના ભીષણ ગોળીબારમાં રાજૌરીના તારાકુંડી અને નાઈકા ક્ષેત્રોમાં પણ ભારે નુકશાન થયું છે જેમાં ઘણા પાળતુ પશુઓ પણ નિશાન બની ગયા હતા. સરહદ પારથી પાકિસ્તાન દ્વારા મોર્ટાર હુમલો કરવામાં આવતા એક મોર્ટાર ભારતીય સેનાના બંકરમાં ફૂટતા મુદ્દસર અહેમદ શહીદ થયો હોવાનું ભારતીય સેના દ્વારા કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલા ભારે ગોળીબારનો ભારત દ્વારા પણ ગોળીઓ વડે જવાબ આપવામાં આવી રહ્યો છે. સવારથી શરૂ થયેલી ગોળીબારીની ઘટના કલાકો સુધી ચાલી હતી.