વેન્કૈયા નાયડુ ચાર વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 17 : ઉપરાષ્ટ્રપતિપદ માટે એનડીએના ઉમેદવાર જાહેર થયેલા એમ. વેન્કૈયા નાયડુ ચાર વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ રાજસ્થાનના સાંસદ છે. નાયડુ સૌપ્રથમ 1998માં રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ 2004, 2006 અને 2016માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. 

ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના અધ્યક્ષની પણ જવાબદારી સંભાળવી પડતી હોય છે અને નાયડુને આ કાર્યવાહી સંભાળવામાં કોઇ વાંધો આવશે નહીં. 

અગાઉ આરએસએસના સ્વયંસેવક રહી ચૂકેલા નાયડુ સંઘ અને ભાજપની વિચારધારાથી પરિચિત છે. સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના માધ્યમથી તેમણે તેમની રાજકીય સફર શરૂ કરી હતી અને 1975માં કટોકટી વખતે જેલમાં પણ ગયા હતા.

1977થી 1978 વચ્ચે તેઓ જનતા પાર્ટીના સમયમાં યુથ વિંગના અધ્યક્ષ પણ રહ્યા હતા.

1978માં તેઓ આંધ્ર પ્રદેશ વિધાનસભાના વિધાનસભ્ય પણ બન્યા હતા. આ ઉપરાંત નાયડુ પક્ષના ઘણાં મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. 1980થી 1983 વચ્ચે ભાજયુમોના ઉપાધ્યક્ષ અને આંધ્ર પ્રદેશમાં 1980થી 1985માં વિધાનસભામાં ભાજપના વિપક્ષના નેતા રહ્યા હતા. 1988થી 1993 સુધી આંધ્ર પ્રદેશ ભાજપના અધ્યક્ષ રહ્યા હતા.

1993થી 2000 સુધી નાયડુ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રહ્યા હતા. 2002માં પ્રથમવાર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા.  એપ્રિલ, 2005 પછી તેઓ ભાજપના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બન્યા હતા. 2006 પછી નાયડુ ભાજપ સંસદીય બોર્ડના સભ્ય અને પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બન્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં નાયડુ એક મોટા ગજાના નેતા છે. તેઓ એક વરિષ્ઠ નેતા છે. તેઓ અટલ બિહારી  સરકારમાં ગ્રામીણ વિકાસપ્રધાન રહ્યા હતા. હાલ તેઓ ભાજપ સરકારમાં શહેરી વિકાસપ્રધાન ઉપરાંત સંસદીય કાર્યપ્રધાન અને માહિતી પ્રસારણ ખાતાના પ્રધાન પણ છે. સંસદીય કાર્યપ્રધાન હોવાથી તેમના તમામ રાજકીય પક્ષો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer