રાષ્ટ્રપતિપદે કોવિન્દ નિશ્ચિત !

સંસદ અને વિધાનસભાઓમાં હાઈએસ્ટ 99 ટકા મતદાન : વિપક્ષમાં ક્રોસ વોટિંગ : ગુરુવારે પરિણામ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 17 : રાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદના બન્ને ગૃહો અને દેશની તમામ વિધાનસભાઓના સભ્યોએ મતદાન કર્યું હતું.  એનડીએના ઉમેદવાર રામનાથ કોવિન્દ અને  યુપીએ તરફથી મીરા કુમારે ઉમેદવારી નોંધાવી હતી. આગામી રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિન્દની જીત નિશ્ચિત ગણવામાં આવે છે. એનડીએ અને અન્ય પક્ષો દ્વારા રામનાથ કોવિન્દને મત આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિપક્ષમાં પણ ક્રોસ વોટીંગ થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કુલ 99 ટકા મતદાન થયું છે જે એક રેકર્ડ સમાન છે.

કેન્દ્રના પ્રધાન એમ. વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે, રામનાથ કોવિન્દ આસાનીથી ચૂંટણી જીતી જશે. કોવિન્દજી આસાનીથી અને સન્માનજનક રીતે જીતી જશે.

રામનાથ કોવિન્દને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ વડાપ્રધાન મોદીએ અગાઉ જ અભિનંદન પાઠવી દેતા મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ

થયું છે. આ ઉપરાંત એનડીએ અને સાથી પક્ષોના મત કોવિન્દને રાષ્ટ્રપતિ પદ ઉપર જીતાડવા માટે જ પૂરતા બની રહે છે. 20મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 

રાષ્ટ્રપતિ પદ માટેના મતદાનમાં કુલ 4120 ધારાસભ્યો અને 776 સંસદ સભ્યોના મતોની સંખ્યા 1098903 થાય છે. જેમાં 543 લોકસભાના સભ્યો, રાજ્યસભાના 233 અને રાજ્યોની વિધાનસભાના 4120 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કોવિન્દને કુલ 70 ટકા મત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી હવે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ઘોષણા માત્ર ઔપચારિક રહે તેવી સ્થિતિ છે. 714 સંસદસભ્યોએ મતદાન કર્યું છે

બીજી તરફ યુપીએના ઉમેદવાર મીરા કુમાર મામલે વિપક્ષમાં તડા જોવા મળ્યા હતા. મતદાનમાં ઉત્સાહ પણ નહોતો.યુપીએની મુખ્ય સાથીદાર ગણવામાં આવતા તૃણમુલ કોંગ્રેસે સીપીએમના સાથનો વિરોધ કરતા વિધાયકોએ મીરા કુમારને મત ન આપવાનું એલાન કર્યું હતું. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીમાં પણ ફરી એક વખત મતભેદ જોવા મળતા મુલાયમ સિંહ અને શિવપાલ યાદવે કોવિન્દને સમર્થનનું એલાન કર્યૅં હતું. આ સાથે આપના અમુક નેતાઓ પણ કોવિન્દના સમર્થનમાં હોવાના સંકેતો મળ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer