ઉપરાષ્ટ્રપતિપદ માટે એનડીએના ઉમેદવાર એમ. વેન્કૈયા નાયડુ
ઉપરાષ્ટ્રપતિપદ માટે એનડીએના ઉમેદવાર એમ. વેન્કૈયા નાયડુ દક્ષિણ તરફ આગેકૂચનો ભાજપનો ઇરાદો : આજે ઉમેદવારી નોંધાવશે

પ્રમોદ મુઝુમદાર તરફથી

નવી દિલ્હી, તા. 17 : રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર રામનાથ કોવિન્દની થનારી જીતથી સંપૂર્ણ રીતે આશ્વસ્ત થયા બાદ ભાજપે હવે આંધ્ર પ્રદેશના પોતાના વરિષ્ઠ નેતા એમ. વેન્કૈયા નાયડુને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કર્યા છે અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વે 2019ની આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાયડુને ઉમેદવાર બનાવીને ભવિષ્યનો  રાજકીય સંકેત આપી દીધો છે.  નાયડુ આવતી કાલે સવારે 11 વાગે નામાંકન પત્ર ભરશે.

સંસદ ભવનમાં આજે રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે મતદાન વખતે સમગ્ર પરિસરમાં ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીના ઉમેદવાર વિશે ચર્ચાઓ ચાલી રહી હતી અને એનડીએના ઉમેદવાર તરીકે વેન્કૈયા નાયડુનું નામ બોલાઇ રહ્યું હતું. ઉત્તર પ્રદેશના રામનાથ કોવિન્દને રાષ્ટ્રપતિપદ માટેની ઉમેદવારી આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિપદ માટે વેન્કૈયા નાયડુનું નામ જાહેર કરીને ભાજપે દક્ષિણ તરફ આગેકૂચ કરવાનો પોતાનો ઇરાદો જાહેર કરી દીધો છે.

ભાજપ સંસદીય પક્ષની બોર્ડ બેઠક આજે સાંજે પક્ષના મુખ્યાલયમાં પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઇ હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, સૂચના પ્રસારણ પ્રધાન એમ. વેન્કૈયા નાયડુ, નાણાપ્રધાન અરુણ જેટલી, સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરી, સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન અનંતકુમાર, આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડા, સામાજિક અધિકાર પ્રધાન થાવરચંદ ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, પક્ષના મહાસચિવ રામલાલ વગેરે હાજર રહ્યા હતા.

સંસદીય બોર્ડની બેઠક બાદ પક્ષપ્રમુખ અમિત શાહે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે એમ. વેન્કૈયા નાયડુના નામની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને એનડીએના ઘટક પક્ષોના નેતાઓ સાથે વિચારવિમર્શ કર્યા બાદ નાયડુને ઉમેદવાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.