મન મોર બની... ગીત હવે વેસ્ટર્ન ટચ સાથે નવા રૂપમાં
કનૈયાલાલ જોશી તરફથી

મુંબઇ, તા.11 : લોકલાડીલા ગાયક હેમુ ગઢવીના કંઠે ગવાયેલું અને ખૂબ લોકપ્રિય થયેલું ગીત `મન મોર બની થનગાટ કરે' સંજય લીલા ભણશાલીએ હિન્દી ફિલ્મમાં ચમકાવ્યું એ પછી તો ગીતને દેશવ્યાપી પ્રસિદ્ધિ મળી પણ હવે યુવા સંગીતકાર બંધુ બેલડી હનીફ અસલમે નવા જ સૂર શણગાર સાથે `યુ ટયુબ' માટે તૈયાર કર્યું છે. એથી ગીતને વિશ્વવ્યાપી ખ્યાતિ મળશે.

આ ગીતને કંઠ આપ્યો છે યુવા લોકપ્રિય ગાયક ઓસમાણ મીરે અને સાથે છે ગાયિકા રોન્કીની. આ ગીત ઓરિજિનલ એકદમ અલગ છે અને યંગ જનરેશનને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. તેમાં ઇન્ટરનેશનલ બૅન્ડ જેવું જ સંગીત છે. શરૂઆત મેઘ રાગમાં છે, પણ પછી મિશ્ર મેઘ બને છે. ગીતની મજા એ છે કે અત્યાર સુધી આપણે સાંભળ્યું છે એના કરતાં તદ્દન જુદું છે.

આ ગીતના સંગીતકાર હનીફ-અસલમે કહ્યું ગીતની શરૂઆત રોન્કીનીના આલાપ-તાનથી થાય છે. ફોક, ક્લાસિકલ અને રૉક મ્યુઝિકની સજાવટ કરીને આખું ગીત રીએરેન્જ કર્યું છે. સારંગી, ગિટારના સૂર, ઢોલ, ડ્રમસેટની રિધમ અને પરકશન્સના મધુર સુશોભનથી ગીત દીપી ઊઠયું છે. ટયૂન એ જ છે પણ સ્ટાઇલ બદલી છે. ઇન્ટરનેશનલ બૅન્ડ જેવું જ સંગીત-રિધમ છે. યુવાનો સાંભળીને ઝૂમી ઊઠશે. આ ગીત `યુ ટયુબ' પર મૂકવાનું છે. જે તુરંતમાં લોન્ચ થવાનું છે.

મૂળ કચ્છ-ભુજના આ કલાકારોએ કહ્યું, આ અમારું બીજું ગીત છે. આ પહેલાં `ઢોલિડાનો ઢોલ' આલબમ બહાર પાડયું હતું જે રેડ રીબને રિલીઝ કર્યું હતું. તેમાં ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, સંગીતા લાબડિયા, લાલિત્ય મુન્શા અને ફિરોઝ લાકડાએ કંઠ આપ્યો હતો.

`મન મોર બની' ગીત હેમુ ગઢવીએ ગાયું. એ પછી લોકપ્રિય થયું. નાના-મોટા બધા કલાકારો ગાય છે, પણ સંજય લીલા ભણશાલીની ફિલ્મ `રામલીલા'માં ઓસમાણ મીરે ગાયું છે, જેને કારણે ગીત લોકપ્રિયતાની ટોચે પહોંચ્યું.

આ યુવા ઢોલી અને હવે સંગીતકાર બેલડીએ અસંખ્ય ફિલ્મોમાં ઢોલ વગાડયું છે. રામલીલા, બાજીરાવ મસ્તાની, દેવદાસ, અગ્નિપથ, કિલદિલ, પદમાવતી વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે. એમના પિતા સલીમ ઉસ્તાદ, નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, લક્ષ્મણ બારોટ, નિરંજન પંડયા જેવા ધૂરંધરો ગાયકો સાથે તબલાં પર સંગત કરી હતી. જ્યારે દાદા સુલેમાન યુસુફ એચએમવીમાં સંગીતકાર હતા.

હનીફ-અસલમે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ઢોલ અમારી કોમનો સાજ છે. લોકસંગીત અમારી જિંદગી છે. બન્નેને વિશ્વવિખ્યાત કરવાનું અમારું સપનું છે.