જગ્ગા જાસૂસના દિગ્દર્શક વિશેના પોતાના પિતાના અભિપ્રાય સાથે રણબીર કપૂર અસહમત
રણબીર કપૂરની છેલ્લે રજૂ થયેલી ફિલ્મ `જગ્ગા જાસૂસ' બૉક્સ અૉફિસ પર ફલોપ ગઇ છે. આ જોઇને રણબીરના પિતા રિશી કપૂર રોષે ભરાયા હતા અને તેમણે ફિલ્મના દિગ્દર્શક અનુરાગ બાસુ પર દોષનો ટોપલો ઢોળીને સોશિયલ મીડિયા પર તેમની આલોચના કરી હતી. હાલમાં એક ફિલ્મના ટ્રેલર લોન્ચમાં હાજર રહેલા રણબીરને આ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે, હું મારા પિતાની દરેક વાત સાથે સહમત થતો નથી. તેઓ અત્યંત લાગણીશીલ વ્યક્તિ છે. તેમણે જે કઇ કહ્યું તે મને બચાવવા માટે કહ્યું હતું. જગ્ગા જાસૂસ પર અમે સાડા ત્રણ વર્ષ સુધી કામ કર્યું હતું. અમે શું કરી રહ્યા છે તેની અમને પૂરેપૂરી જાણ હતી. કયારેક તમને સફળતા મળે છે તો કયારેક નિષ્ફળતા. જોકે, હું આને નિષ્ફળતા તરીકે નથી જોતો. હું તેને શીખવાના એક ભાગ તરીકે જોઉં છું. અનુરાગ અને બધા સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. હું કોઇના વતી જવાબ ન આપી શકું, પરંતુ જરૂરી નથી કે હું તેમની દરેક વાત સાથે સહમત થાઉં.