ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે વર્ષના અંતમાં લગ્ન કરશે
મુંબઈ, તા. 11 : ક્રિકેટર ઝહીર ખાન અને અભિનેત્રી સાગરિકા ઘાટગેએ 24મી એપ્રિલે સગપણ કર્યું હતું. હવે તેમનાં લગ્નની રાહ જોવાઇ રહી છે. ઝહીરે કહ્યું કે, આ વર્ષના અંતે કે તેનાથી થોડા અગાઉ અમે લગ્ન કરીશું. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવશે. સાગરિકા ફિયાન્સ ઝહીરની સાથે જમૈકાથી ન્યૂ યૉર્ક અને દુબઇ ફરતી રહે છે. તેણે કહ્યું કે મને પહેલેથી પ્રવાસનો શોખ છે અને હવે તો એમાં વધુ મજા આવે છે કેમ કે સાથે જીવનની મહત્ત્વની વ્યક્તિ પણ હોય છે. ઝહીર ખૂબ ફર્યો છે, પરંતુ માત્ર ક્રિકેટનાં સ્થળોએ. હવે તે ક્રિકેટ સિવાયની જગ્યાએ ફરે છે. 

કોમન ફ્રેન્ડ દ્વારા મળેલા આ બંનેએ બે વર્ષ ડેટિંગ કર્યું છે. નોંધનીય છે કે, સાગરિકાની પ્રથમ ફિલ્મ ચક દે ઇન્ડિયામાં પણ તેનું પાત્ર ક્રિકેટર સાથે ડેટ કરતું હતું. રિયલ લાઇફમાં પણ આવું જ થતાં તેના આનંદનો પાર નથી. લગ્ન બાદ તું અભિનય છોડી દઇશ? એવા સવાલના જવાબમાં સાગરિકાએ કહ્યું કે, ના, ઝહીર જાણે છે કે મને અભિનય કરવો ગમે છે અને તે આ બાબતે મને સાથ આપી રહ્યો છે. તે જ પ્રમાણે ઝહીરની ઇચ્છા પણ બૉલીવૂડમાં આવવાની નથી. તે ક્રિકેટ પર જ ધ્યાન આપે છે.