શ્રીલંકાનો વ્હાઇટવોશ કરવા ટીમ ઇન્ડિયા મેદાને પડશે

શ્રીલંકાનો વ્હાઇટવોશ કરવા ટીમ ઇન્ડિયા મેદાને પડશે

 

આજથી શરૂ થતી ત્રીજી અને આખરી ટેસ્ટમાં વરસાદના વિધ્નની આગાહી : પલ્લેકલ્લેની ઘાસવાળી વિકેટ પર ભારતીય ટીમમાં ભુવનેશ્વરના સમાવેશની વકી

કેન્ડી, તા.11: ઇતિહાસ રચવાની નજીક પહોંચેલી કોહલીસેના શ્રીલંકા વિરૂધ્ધ આવતીકાલ શનિવારથી શરૂ થતાં ત્રીજા અને આખરી ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરશે ત્યારે તેની નજર વિદેશી ભૂમિ પર ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ગૃહ ટીમનો સફાયો કરનારી પહેલી ભારતીય ટીમ બનવા પર રહેશે. જો કે શ્રીલંકાનો વ્હાઇટવોશ કરવાના ભારતના લક્ષ્યાંક પર વરસાદ પાણી ફેરવી શકે છે. પલ્લેકલ્લેના મેદાન પર શુક્રવારે ભારે વરસાદ પડયો હતો. આથી પિચ અને મેદાન પર કવર લગાવી દેવામાં આવ્યા છે. આખરી મેચ માટે શ્રીલંકાએ ઘાસવાળી વિકેટ તૈયાર કરી છે. આથી ઝડપી બોલરો માટે ફાયદો મળી શકે છે. ભારતે પહેલો ટેસ્ટ 304 રન અને બીજો ટેસ્ટ એક દાવ અને પ3 રને સરળ રીતે જીતી લીધા હતા. ત્રીજા ટેસ્ટમાં પણ કોઇ ચમત્કાર જ શ્રીલંકાને હારમાંથી બચાવી શકે તેમ છે તેવું અનુમાન થઇ રહયું છે. 

ખરાબ મોસમને લીધે ભારતીય ટીમ શુક્રવારે અભ્યાસ કરી શકી ન હતી. આ ટેસ્ટની વિકેટ ગ્રીનટોપ હોવાથી ભારતીય ટીમમાં ત્રીજા ઝડપી બોલર તરીકે ભુવનેશ્વર કુમારને તક મળી શકે છે. જે પ્રતિબંધિત રવિન્દ્ર જાડેજાનું સ્થાન લઇ શકે છે. એવું પણ બની શકે છે કે જાડેજાના સ્થાને ચાઇનામેન બોલર કુલદિપ યાદવને અને હાર્દિક પંડયાના સ્થાને ભુવનેશ્વરનો ભારતીય ઇલેવનમાં સમાવેશ થઇ શકે છે. બીજી તરફ શ્રીલંકાએ તેની ટીમમાં દુષ્મંતા ચામીરા અને લાહિરૂ ગામગેને લીધા છે. 

કોહલીએ અત્યાર સુધીમાં 28 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ સંભાળી છે અને એકસમાન ઇલેવન ઉતારી નથી. આવતીકાલે પણ ત્રીજા ટેસ્ટમાં પણ એવું જ જોવા મળી શકે છે. ભારતે અત્યાર સુધી ફકત ચાર જ ટેસ્ટ શ્રેણીના તમામ મેચમાં જીત મેળવી છે. એ તમામ ચાર શ્રેણી ઘરઆંગણે રમાઇ હતી. આથી કોહલી એન્ડ કું પાસે વિદેશી ધરતી પર પહેલીવાર ગૃહ ટીમનો વ્હાઇટવોશ કરવાનો મોકો છે. આ ઉપરાંત ભારત વિદેશી ધરતી ઉપર3 ટેસ્ટ ફકત એક જ વાર જીતી શકયું છે. પટૌડીના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમ 1967-68માં ન્યુઝીલેન્ડને તેની ધરતી પર 3-1થી હાર આપી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer