સેન્સેક્ષ પાંચ સપ્તાહના તળિયે : નિફ્ટી 9700ની ઉપર બંધ થવામાં સફળ
અમેરિકા-ઉત્તર કોરિયા તણાવથી વૈશ્વિક બજારોમાં વેચવાલી

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : શૅરબજારે આજે પાંચ અઠવાડિયાનો સૌથી નીચો બંધ જોયો હતો. બજારમાં મેટલ અને જાહેર ક્ષેત્રની બૅન્કોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાથી એનએસઈ ખાતે નિફ્ટી-50 109 પોઇન્ટ ઘટીને 9710 બંધ હતો. બજારના બંને ઇન્ડેક્સમાં ટૂંકા ગાળામાં નવા નીચા બંધ આવ્યા હતા. બીએસઈ ખાતે સેન્સેક્ષ 317 પોઇન્ટ ઘટીને 31213 બંધ રહ્યો હતો. અનુભવીઓના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંભવિત યુદ્ધના તણાવમાં સતત વધારો થવા સાથે દેશની વાહન, મેટલ અને ફાર્મા ક્ષેત્રની કંપનીઓનાં પરિણામમાં ત્રિમાસિક ધોરણે નફામાં નોંધપાત્ર ગાબડા પડયા છે. ઉપરોક્ત ઘટનાઓની અસરથી ફેબ્રુઆરી '17થી શૅરબજારમાં શરૂ થયેલી એકતરફી તેજીને માટે જરૂરી કરેકશનનો આરંભ થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બજારમાં જરૂરી કરેકશન પૂરું થયા પછી સ્થિર થવા મથતાં બજારમાં જ નવી ખરીદી કરવી હિતાવહ રહેશે. આજે નોંધપાત્ર રીતે એસબીઆઈની એનપીઓમાં જંગી વધારો (કુલ 1.88 લાખ કરોડ) જાહેર થવાથી બૅન્કેક્સમાં 5 ટકાનું ગાબડું નોંધાયું હતું. ઉપરાંત હિન્દાલ્કોના નબળા પરિણામને લીધે મેટલ શૅરોની એકતરફી તેજી અટકીને અગ્રણી શૅરો ઘટયા હતા. જ્યારે ટીવીએસ મોટર્સનું વેચાણ વધવા છતાં અપેક્ષિત કરતાં ત્રિમાસિક નફો ઘટવાથી વાહન શૅરોમાં ઘટાડો થયો હતો. જોકે અગાઉથી મોટો કડાકો જોઈ ચૂકેલ તાતા મોટર્સ- ડીવીઆર, ડૉ. રેડ્ડીસ લેબોરેટરી અને ઓરોબિંદો ફાર્માના શૅરોમાં નીચા મથાળે વેલ્યુબાઇંગથી શૅરના ભાવ થોડા વધ્યા હતા.

દરમિયાન બીએસઈ સેન્સેક્ષ સતત ચોથા દિવસે ઘટતા ફ્રીકોલ વચ્ચે કુલ 1525 શૅર ઘટવા સામે 1003 શૅર થોડા સુધર્યા હતા. આજના ઘટાડાની વિશેષતા જોતા છેલ્લા ત્રણ દિવસમાં સટોડિયાઓએ માંડ ટકાવેલા કેટલાક ચુનંદા શૅરો જેમાં મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, હિન્દાલ્કો, વેદાન્ત અને એસબીઆઈ જેવા અનેક શૅરોમાં મોટો ઘટાડો થયો હતો. છેલ્લા ચાર દિવસના ઘટાડામાં સટોડિયાઓએ ધીમે ધીમે પોતાનું લેણ ઘટાડીને છેલ્લે ભાવ તોડી નાખવાનું વલણ અપનાવ્યાનું સ્પષ્ટ જણાય છે. જેથી હવે 9500 સુધી થોડા ઘસાયેલા શૅરમાં નવું વેચાણ નુકસાનકારક રહેવાની સંભાવના છે એમ જાણકારો માને છે. આજના તીવ્ર ઘટાડામાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટયો હતો. મુખ્ય શૅરોમાં એચડીએફસી બૅન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટ્સ, એલઍન્ડટી, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ અને ઓએનજીસીના ભાવમાં બે ટકા સુધીનો ઘટાડો થયો હતો. જોકે, ઇન્ફોસીસ 0.6 ટકા સુધર્યો હતો.

અમેરિકાના જેનેટીક દવા બંધ કરવાના નિર્ણયની માઠી અસર છતી થઈ રહી છે. સનફાર્માના કુલ વેચાણમાં 40 ટકા નિકાસનો હિસ્સો હોવાને લીધે કંપનીનો ત્રિમાસિક નફો 44 ટકા ઘટયો છે. એસબીઆઈનો નફો વધવા સાથે એનપીએમાં મોટા વધારાએ નકારાત્મકતા ઊભી કરી છે.

જેથી નિફ્ટી બૅન્કેક્સ 200 પોઇન્ટ ઘટયો હતો. જેમાં પીએનબી, આઈડીએફસી, આઈસીઆઈસીઆઈ, કેનેરા સહિતની બૅન્કના ભાવમાં 1થી 3 ટકા ઘટાડો થયો હતો. સિંડીકેટ બૅન્ક, બજાજ ફાઇનાન્સ સહિતના 5 ટકા ઘટયા હતા. જોકે, ગુજરાત ગૅસ અને મોઇલ જેવા શૅરોમાં 4 ટકા સુધારો થયો હતો.

વૈશ્વિક બજારો

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેનો તણાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો હોવાથી તમામ યુરોપિયન બજારોમાં સતત નબળાઈ ચાલુ રહી છે. આજે શરૂઆતથી જ ઘટાડો દર્શાવતા ફ્રાન્સનો સીએસી અને જર્મનીનો ડેક્સ બંને 0.6 ટકા ઘટયા હતા.