અમેરિકાના ફુગાવાની રાહે સોનું મક્કમ
અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 11 : વૈશ્વિક સોનાના ભાવ બે માસની ઊંચાઇ પર મજબૂત રહ્યા હતા. અમેરિકા અને કોરિયા વચ્ચે ચાલી રહેલા ટેન્શનને લીધે સલામત રોકાણ માટે ફંડો અને રોકાણકારોનો રસ વધ્યો છે. સોનાનો વર્તમાન ભાવ છેલ્લે 8મી જૂને જોવા મળ્યો હતો. અમેરિકાના ફુગાવાના આંકડાઓ શુક્રવારે મોડેથી જાહેર થવાના હતા. એ પૉઝિટિવ આવે તો સોનામાં ફરીથી 1250 ડૉલરની સપાટી જોવા મળી શકે છે તેમ વિશ્લેષકોએ કહ્યું હતુ. ઊંચા ભાવને કારણે એશિયન બજારમાં સોનાની ફિઝિકલ માગ ઠપ થઇ ગઇ છે. રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 50 વધીને રૂા. 29,850 હતો. મુંબઇ સોનું રૂા. 140 સુધરતા રૂા. 29,210 હતું.

ચાંદીનો ભાવ 17.12 ડૉલરની સપાટીએ રહ્યો હતો. 14મી જૂનની 17.24 ડૉલરની ટોચની સપાટી પણ આજે ઇન્ટ્રા ડેમાં જોવાઇ હતી. રાજકોટમાં ચાંદીનો ભાવ એક કિલોએ રૂા. 300ના ઘટાડામાં રૂા. 39,300 હતી. મુંબઇમાં રૂા. 115 વધી જતાં રૂા. 39,110 રહી હતી.