કરપ્ટ સોફ્ટવેરથી બચવા બીએસઈની ચેતવણી
મુંબઈ, તા. 11 (ટીએનએસ) : એનએસઈ બાદ બીએસઈએ આજે બજારની એન્ટીટીઓને `કરપ્ટ સોફ્ટવેર ક્રિપ્ટ' સામે સલામત રહેવાની સલાહ આપી હતી, જે ઊર્જા અને નાણાં જેવા જટિલ ક્ષેત્રોને લક્ષ્ય કરીને કૉમ્પ્યુટરમાંથી માહિતીની ચોરી કરી તેને વિદેશ મોકલે છે.

કેટલાક શંકાસ્પદ સંદેશ વ્યવહારમાં એડવાન્સ સોફ્ટવેર ક્રિપ્ટ (માલવેર) હોવાનું જણાયું છે, જે જટિલ ક્ષેત્રોને ટાર્ગેટ કરે છે, જેમાં મુખ્યત્વે ઊર્જા અને નાણાં ક્ષેત્ર છે. આ સોફ્ટવેર ડિવાઈસને સંક્રમિત કરીને આઈસીટી નેટવર્ક્સ/સિસ્ટમ્સમાં પ્રવેશીને માહિતી, પાર્સવર્ડની ચોરી કરીને દેશની બહાર દુશ્મનોને મોકલે છે, એમ બીએસઈએ પરિપત્રમાં જણાવ્યું છે. 

એક્સચેન્જ અનુસાર, સોફ્ટવેર ક્રિપ્ટમાં કૉમ્પ્યુટર સિસ્ટમની સંપૂર્ણ માહિતીને ખોરવી નાખવાની ક્ષમતા છે. કેટલાક કિસ્સાઓમાં, કૉમ્પ્યુટર ટર્મિનલમાં જાળવવામાં આવેલા ડેટા કાયમ માટે નષ્ટ થઈ જાય છે.

ખરાબ થયેલી ફાઈલ વારંવાર દેખાયા કરે છે. સોફ્ટવેર ક્રિપ્ટ દૂષિત ડોમેઈન સાથે લિન્ક થાય છે અને જર્મની અને રશિયા જેવા લોકેશન રજૂ કરે છે, એમ પણ ઉમેરવામાં આવ્યું છે. આ સર્વેથી બચવા માટે બીએસઈએ યુઝર્સ અને ઓરગેનાઈઝેશન્સને વિન્ડોઝ સોફ્ટવેર સાથે અપડેટ રહેવા તેમ જ સિક્યુરિટી સોલ્યુશન્સની તપાસ અને બેક-અપ લીધા હોવાની ખાત્રી કરવા માટે જણાવ્યું છે. બીએસઈએ બજાર એન્ટીટીઓને આ પડકારનો સામનો કરવા યોગ્ય ઉપાય યોજના કરવા માટે જણાવ્યું છે. ગઈ કાલે, એનએસઈએ પણ આવા જ પ્રકારની ચેતવણી `કરપ્ટ સોફ્ટવેર ક્રિપ્ટ' વિશે કરી હતી.