સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાનો નફો ત્રણ ગણો થયો, પણ લોનની ગુણવત્તા નબળી પડી

તુલનાત્મક ધોરણે ચોખ્ખો નફો રૂા.374 કરોડથી વધીને રૂા. 2006 કરોડ થયો

મુંબઈ, તા. 11 : દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાનો તા. 30 જૂન 2017ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેનો કોન્સોલીડેટેડ નફો લગભગ ત્રણ ગણો  વધી 3105.35 કરોડનો થયો છે પણ સબસિડિયરીઓ સહિત બૅન્કની લોનોની ગુણવત્તા વધુ કથળી છે. ગયે વર્ષે જૂન ત્રિમાસિકનો કોન્સોલિડેટેડ નફો રૂા. 867.32 કરોડ હતો.

ગત વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના મુકાબલે આ ક્વાર્ટરમાં કોન્સોલીડેટેડ આવક 1.9 ટકા ઘટી રૂા. 70776.56 કરોડની રહી છે.

આમ છતાં આ આંકડાઓ વિશ્લેષણકારોના અંદાજોથી બહેતર છે.

સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાની ઍસોસિયેટ બૅન્કો તા. 1 એપ્રિલ 2017થી તેની સાથે જોડાઈ ગઈ હતી. આથી કમાણીના આંકડા સરખાવી શકાય તેવા નથી એવો ખુલાસો બૅન્કે કર્યો છે. તુલનાત્મક ધોરણે સ્ટેટ બૅન્કનો ચોખ્ખો નફો રૂા. 374 કરોડથી વધીને રૂા. 2006 કરોડ થયો છે.

બૅન્કની લોનોની ગુણવત્તા નબળી પડી છે. તેની સ્ટેન્ડએલોન ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ 6.94 ટકાથી વધી 9.97 ટકા થયેલ છે અને નેટ એનપીએ 4.05 ટકાથી વધીને 5.97 ટકા થયેલ છે.

ઍસોસિયેટ બૅન્કો સહિતની ગ્રોસ એનપીએ 6.2 ટકા વધી રૂા. 1.88 લાખ કરોડની થઈ છે જે 1.77 લાખ કરોડ હતી. સબસિડિયરીઓ સહિત જૂન ત્રિમાસિકમાં વધુ રૂા. 26249 કરોડની લોનો એનપીએ બની હતી.

રૂા. 2034 કરોડની ખરાબ લોનને સામાન્ય શ્રેણીમાં મૂકવામાં આવી હતી અને રૂા. 4646 કરોડની વસૂલાત થઈ હતી જ્યારે રૂા. 13176 કરોડની રકમ માંડી વાળવામાં આવી હતી.

જૂન ત્રિમાસિકમાં એનપીએ માટેની કોન્સોલિડેટેડ જોગવાઈ રૂા. 11353.57 કરોડથી વધીને રૂા. 12227.60 કરોડ થયેલ છે. સ્ટેનએલોન ધોરણે જોગવાઈ રૂા. 6339.56 કરોડથી વધીને રૂા. 12125.26 કરોડ થઈ છે.

અન્ય આવક (વ્યાજ સિવાયની) 4.4 ટકા વધી રૂા. 13958 કરોડની થઈ છે જ્યારે ઓપરેટિંગ નફો ગત વર્ષના આ જ ક્વાર્ટરની તુલનામાં 7.8 ટકા ઘટી રૂા. 13417.2 કરોડ થયેલ છે.

કરવેરા ખર્ચ આગલા વર્ષના ક્વાર્ટરની તુલનામાં 128.6 ટકા વધી રૂા. 1260.59 કરોડ થયેલ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer