વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ ગૌરક્ષકોને ઓળખપત્રો આપશે

મુંબઈ, તા. 11 : વિશ્વ હિંદુ પરિષદ અને તેની યુવા પાંખ બજરંગ દળ ટૂંક સમયમાં તેના ગોરક્ષક સ્વયંસેવકોને ઓળખપત્રો આપશે. સરકારે દેશમાં કતલના હેતુસર પશુઓની હેરફેર અને લેવેચ પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ હાલમાં દેશમાં તોફાની ટોળાઓ (કથિત ગોરક્ષકો) દ્વારા લઘુમતી અને દલિત સમુદાયના લોકો પર હુમલાઓ તેમ જ કેટલીક હત્યાઓના પગલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેની વિશ્વ હિંદુ પરિષદ જેવી સંસ્થાઓ બદનામ થઇ રહી હોવાથી સ્વયંસેવકોને આવાં ઓળખપત્રો આપવાનો વિચાર કરાયો છે.

વિશ્વ હિંદુ પરિષદના ઉપપ્રમુખ હેમંત જાંભેકરે કહ્યું હતું કે કેટલાંક તત્ત્વો હાથમાં ભગવા ઝંડા લઇને જય શ્રીરામના નારા સાથે પશુઓની ગેરકાયદે કતલ કે હેરાફેરી કરનારાઓની મનફાવે તે રીતે તપાસ કરે છે અને હુમલાઓ કરે છે તેમાં અમારી સંસ્થાઓ બદનામ થઇ રહી છે. તેથી અમે અમારા ગોરક્ષક સ્વયંસેવકોને ઓળખપત્રો આપવાનું વિચાર્યું છે અને અમારા ગોરક્ષક સ્વયંસેવકોની માહિતી અમે સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ પહોંચતી કરીશું, તેથી આવી મારપીટની કમનસીબ ઘટનાઓ વખતે સૌને સાચી ખબર પડી જશે કે કોણ ગોરક્ષકો છે અને કોણ ગાયના નામે સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની વિવિધ શાખાઓની બદનામી થતી પણ અટકશે.

હજુ ગયા મહિને જ અપક્ષ વિધાનસભ્ય બચુ કડુની સંસ્થા પ્રહાર સાથે સંકળાયેલા ચાર શખસોએ નાગપુર જિલ્લામાં બીફની હેરાફેરીની શંકાથી એક માણસને માર માર્યો હતો. સલીમ શેખ નામનો આ પીડિત ભાજપના સ્થાનિક લઘુમતી સેલનો નેતા છે. જોકે, મારપીટ કરનારાઓ બજરંગ દળના સભ્યો હોવાના શરૂઆતના અહેવાલો હતા અને આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચમક્યો હતો તેથી બદનામી બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની થઇ હતી. 

જાંભેકરે કહ્યું હતું કે અમારા સ્વયંસેવકો ક્યારેય કાનૂન હાથમાં લેતા નથી. અમારા કાર્યકરો કાયદાની મદદથી આવી કોઇ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો તેને બંધ કરાવવામાં માને છે. ઓળખપત્રો મળ્યા બાદ અમારા કાર્યકરો કોઇ બાતમી હશે તો પોલીસ કે અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરીને પશુઓની ગેરકાયદે હેરાફેરી અટકાવવામાં મદદરૂપ થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer