રવિવારે મુંબઈમાં વિશ્વશાંતિ પરિષદ : દલાઈ લામા, બાબા રામદેવ, ડૉ. લોકેશ મુનિ, પૂ. નમ્રમુનિ આપશે સદ્ભાવનાનો સંદેશ
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જૈનાચાર્ય ડૉ. લોકેશ મુનિ સ્થાપિત `અહિંસા વિશ્વ ભારતી' સંસ્થા દ્વારા રવિવાર, 13 અૉગસ્ટે સવારે 10 વાગ્યાથી વરલીના એન.એસ.સી.આઈ. ડૉમમાં આંતરરાષ્ટ્રીય વિશ્વશાંતિ પરિષદનું આયોજન કરાયું છે. ``અનેકતામાં એકતા - ભારતીય સંસ્કૃતિ''ના થીમ પર યોજાઈ રહેલી આ પરિષદમાં વિવિધ ધર્મોના દિગ્ગજ મહાપુરુષો એક મંચ પર એકઠા થશે અને વિશ્વમાં શાંતિ તેમ જ સદ્ભાવના પ્રસ્થાપિત કરવાની દિશામાં વિચારવિમર્શ કરશે.

આજે પત્રકાર પરિષદમાં આ માહિતી આપતાં ડૉ. લોકેશ મુનિએ જણાવ્યું હતું કે આ વિશ્વશાંતિ પરિષદમાં બૌદ્ધ ધર્મના વરિષ્ઠ ધર્મગુરુ દલાઈ લામા, યોગઋષિ બાબા રામદેવ, રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજસાહેબ, જૈનાચાર્ય કુલચન્દ્રસૂરીશ્વરજી મ.સા., અકાલ તખ્તના વડા જથ્થેદાર જ્ઞાની ગુરબચનસિંહ, અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના ડૉ. કલ્બે સાદિક, આર્ચબિશપ ફેલિક્સ મવ્હાદો વગેરે દિગ્ગજ ધર્મપુરુષો વિશ્વશાંતિ અને સદ્ભાવના પર સંદેશ આપશે. કેન્દ્રીયપ્રધાનો વિપુલ ગોયલ, ડૉ. હર્ષવર્ધન, ડૉ. મહેશ શર્મા, પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે.

તેમણે કહ્યું હતું કે વર્તમાનમાં વિશ્વની સ્થિતિ ગંભીર છે. સીરિયા, અફઘાનિસ્તાનથી માંડીને રશિયા, અમેરિકા,  ચીન વગેરે દહેશતના માહોલમાં છે. એવા સમયમાં વિશ્વની સૌથી મોટી સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘ તથા વિશ્વ ધર્મ સંસદ પણ અનેકાંત દર્શન આધારિત આંતર ધાર્મિક સંવાદને ભારે મહત્ત્વ આપી રહ્યા છે. મુંબઈનો અવાજ દુનિયા આખી સાંભળે છે એટલે આ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે હિંસા અને આતંકવાદ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. સંવાદ દ્વારા તમામ સમસ્યાનો ઉકેલ આવી શકે છે જ્યારે બધા જ સંપ્રદાયના લોકો એકસાથે મળીને શાંતિ માટે કાર્ય કરશે તો વિશ્વમાં શાંતિ અને અહિંસાનો માહોલ ઊભો થશે.

વિખ્યાત બૉલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય પત્રકાર પરિષદમાં ખાસ ઉપસ્થિત રહ્યો હતો. તેણે પોતાને લોકેશ મુનિનો ફૅન ગણાવતાં કહ્યું હતું કે હું ફિલ્મોમાં અભિનય કરું છું, તમે મને હીરો રૂપે જાણો છો પણ લોકેશ મુનિ `ઍકશન હીરો' છે. તેમને હું લાંબા સમયથી જાણું છું. મુઝફ્ફરનગરમાં ફાટી નીકળેલાં રમખાણોને પગલે તેઓ અમેરિકાની યાત્રા ટૂંકાવીને મુઝફ્ફરનગર પહોંચી ગયા હતા. તેમણે જનતા વચ્ચે શાંતિકૂચ યોજી હતી અને ત્યાં પાછી શાંતિ અને સદ્ભાવના સ્થાપી હતી.

ભાજપના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે મારા વિસ્તારમાં યોજાઈ રહેલી આ સર્વધર્મ પરિષદનું સ્વાગત કરું છું. આ પરિષદનો ઉદ્દેશ બધા ધર્મના સંતો એક મંચ પર આવીને માનવકલ્યાણ તેમ જ માનવ વિકાસની વાત કરે. આજે અનેક દેશો યુદ્ધની વાત કરે છે પરંતુ યુદ્ધની પહેલ કોઈ કરશે નહીં. આ યુદ્ધમાં જીત કોઈની નહીં થાય કારણકે આજે દરેક દેશો પાસે અણુબૉમ્બ છે, અને એનાથી વિશ્વ આંખુ તારાજ થઈ જશે. હીરોશિમા-નાગાસાકીનો દાખલો આપણી સમક્ષ છે. આથી હવે પરસ્પરના મતભેદો મિટાવી તમામ ધર્મનો ઉત્થાન કરવાનો સમય પાકી ગયો છે. આવી પરિષદો એ માટે મહત્ત્વની ભૂમિકા અદા કરશે.

લોઢાએ કહ્યું હતું કે આ પરિષદમાં લગભગ 8000 લોકો આરામથી બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.