ત્રણ લાખથી વધુ ગણેશમૂર્તિઓ બનાવી લિમ્કા બુકમાં 16મી વખત નોંધાવ્યો વિક્રમ

રમાબહેન શાહની બંધ આંખે સુખકર્તાની અદ્ભુત સાધના !

મુંબઈ, તા. 11 : થોડા જ દિવસમાં મંગલમૂર્તિ ગણપતિ બાપ્પાનું આગમન થશે. અનેક શ્રદ્ધાળુઓ ધૂમધામથી પર્વની ઉજવણી કરશે. ત્યારે ઇશ્વર કૃપાથી બંધ આંખે ગણેશની મૂર્તિ બનાવવાની વિશેષ કળા હસ્તગત કરનારા રમાબહેન શાહ છેલ્લાં 17 વર્ષથી ગણપતિની મૂર્તિઓ બનાવી પોતાની શ્રદ્ધા પ્રકટ કરી રહ્યાં છે. 

વર્ષ 2000માં શરૂઆત કરી 99 દિવસમાં 9999 મૂર્તિ બનાવી વર્લ્ડ રેકર્ડ સર્જનારા રમાબેન દર વર્ષે લાખો મૂર્તિઓનું સર્જન કરે છે. આ વર્ષે 17 દિવસમાં 3,78,000 મૂર્તિ બનાવી 16મી વખત લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું છે. તેઓ ગણપતિની વિવિધાકારની આકર્ષક મૂર્તિઓ કોઇપણ જાતના સાધન કે બીબા વગર આંખ પર પટ્ટો બાંધી મંત્રોચ્ચાર કરતાં સર્જન કરે છે. આ મૂર્તિઓ સહેલાઇથી તૂટતી નથી, પાણી વડે ધોઇ પણ શકાય છે. 

ઘરની જવાબદારી નિભાવીને બાકીના સમયમાં ગમતી કલાત્મક પ્રવૃત્તિ કરનારા રમાબેનનું માનવું છે કે કલામાં સુંદરતા છે, કલામાં ખુશી છે અને કલા પ્રત્યેનું યોગદાન જ આત્માને સુંદર બનાવે છે. તેમની આ કલાને અનેક હસ્તિઓના હાથે પુરસ્કાર, સન્માન મળ્યા છે તેમ જ ઘણી ટીવી ચેનલ અને રિયાલિટી શૉમાં પણ તેમની કલા સાદર કરવામાં આવી છે. મૂર્તિનું પ્રદર્શન નિહાળવા આવનારા લોકોને રમાબેન મૂર્તિ ભેટ આપે છે અને લોકોનું માનવું છે કે તેમના હાથે બનાવેલી મૂર્તિને ઘરમાં સ્થાપવાથી મનોરથ પૂર્ણ થાય છે. તેથી જ રમાબેનને આ કામ આગળ ધપાવવાનું બળ મળે છે. મહારાષ્ટ્રના એ વખતના ગવર્નર મહમદ ફજલે તેમને રાજભવનમાં આમંત્રણ આપ્યું હતું ત્યાં રમાબેને એક કલાક આંખ પર પટ્ટો બાંધી મૂર્તિ બનાવી હતી જે જોતાં ગવર્નરે કહ્યું હતું કે `ઇતની મૂર્તિ દેખી, ઇતને મંદિર દેખે પર આજ મૂર્તિ બનાનેવાલે કો દેખકર મેરા જીવન ધન્ય હો ગયા.' વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની કળાની પ્રશંસા કરતો પત્ર મોકલ્યો હતો.

રમાબેનની આવડતને ઓળખી આગવી ઓળખ ઊભી કરવા માટે પતિ સતિષ શાહે તેમને પૂરેપૂરો સાથ આપ્યો છે. સતિષ શાહે જણાવ્યું હતું કે તેઓ કેટલાંક વર્ષથી ગણેશચતુર્થી શરૂ થાય તેના થોડા દિવસ પહેલાં મૂર્તિઓનું પ્રદર્શન કરે છે. કારણકે ત્યારબાદ તેઓ પર્યુષણ પર્વમાં વ્યસ્ત હોય છે અને રમાબેન 26 વર્ષથી પોલીસ શાંતતા મહોલ્લા કમિટી અને મહિલા દક્ષતા કમિટીમાં સક્રિય છે તેથી અનંતચતુર્થીના દિવસે તેઓ સાર્વજનિક વિસર્જન સ્થળે સેવામાં પણ તહેનાત રહે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer