સાઉન્ડ સિસ્ટમવાળા દહીંહંડી અને ગણેશોત્સવમાં સિસ્ટમ ભાડે નહીં આપે

નિયમો તોડે આયોજકો અને મરો થાય સાઉન્ડ સિસ્ટમવાળાઓનો!

મુંબઈ,તા.11 : મુંબઈ અને મહારાષ્ટ્રના સૌથી ગમતીલાં વિશ્વપ્રસિદ્ધ દહીહંડી અને ગણેશોત્સવ જેવા તહેવારોની તડામાર તૈયારીઓ વચ્ચે હવે આ તહેવારોમાં સાઉન્ડ સિસ્ટમ ન આપવાનો નિર્ણય મુંબઈ અને પુણેના સાઉન્ડ સિસ્ટમ માલિકોએ લીધો છે. જો સાઉન્ડ સિસ્ટમવાળા અફર રહેશે તો કદાચ મુંબઈ સહિતના મોટા શહેરોમાં નવી પેઢીને ગણેશોત્સવ અને દહીહંડીની પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવાનો લહાવો મળશે. 

તહેવારોમાં સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ સામે કોર્ટે સમયમર્યાદા અને અવાજની ડેસિબલની મર્યાદા લાદેલી છે તેને અવગણીને આયોજક મંડળો દેખાદેખીમાં સાઉન્ડ સિસ્ટમના ભપકાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે, આખરે પગલાં સાઉન્ડ સિસ્ટમવાળા સામે લેવાય છે, એની સામે સાઉન્ડ સિસ્ટમવાળાઓએ વાંધો દર્શાવ્યો છે. આ નિર્ણયને દહીહંડી સમન્વય સમિતિએ પણ ટેકો જાહેર કર્યો છે.

જોકે ગણેશોત્સવ તો દસ દિવસનો હોય છે અને હજુ પખવાડિયાનો સમય પણ છે, પરંતુ હજુ સુધી ગણેશોત્સવ સમન્વય સમિતિ તરફથી આ વિશે પ્રતિક્રિયા નથી આવી. દર વર્ષે આ બંને તહેવારોમાં કાયદા કાનૂનની સાથે ભક્તિ સંગીતને પણ કોરાણે મૂકીને મોટા ભાગના આયોજક મંડળો બેફામપણે સાઉન્ડ સિસ્ટમની મદદથી ફિલ્મોનું કકળાટિયું સંગીત રેલાવે છે. 

સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણ પ્રેમી સંગઠનોનો અવાજ તહેવારોના ઉન્માદમાં દબાઇ જાય છે. ક્યારેક પગલાં લેવાય તો તેમાં સાઉન્ડ સિસ્ટમવાળાઓ જ દંડાય છે, આયોજકો સામે કોઇ કાર્યવાહી થતી નથી. જો સાઉન્ડ સિસ્ટમવાળા પોતાની વાત પર અફર રહેશે તો નવી પેઢીને આ વર્ષે શાંત અને પરંપરાગત તહેવારોની ઉજવણીનો લહાવો મળશે એમ કહી શકાય.         

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer