મેટ્રો-થ્રીનું બાંધકામ રાત્રે ન કરવાનો હાઈ કોર્ટનો આદેશ

મુંબઈ, તા. 11 (પીટીઆઇ) : આગામી પખવાડિયા માટે મેટ્રો-થ્રીનું કોઇ પણ પ્રકારનું કામકાજ અને બાંધકામ રાત્રે ન કરવાનો આદેશ બૉમ્બે હાઇ કોર્ટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન એમએમઆરસીએલ)ને આપ્યો છે. સ્થાનિક રહેવાસીઓની અગવડો સંબંધી ફરિયાદોને ધ્યાનમાં લઇને કોર્ટે આજે આ આદેશ આપ્યો હતો. 

હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લુર અને ન્યાયાધીશ એનએમ જામદારની ખંડપીઠે જણાવ્યું હતું કે બે અઠવાડિયાં માટે મેટ્રો-થ્રી સંબંધિત કોઇ પણ પ્રકારનું બાંધકામ અથવા તેની તૈયારીના ભાગરૂપેની કાર્યવાહી રાત્રે દસથી સવારે છ વાગ્યાના સમયમાં ન કરવાનો આદેશ એમએમઆરસીએલને આપવામાં આવે છે. દક્ષિણ મુંબઈના રહેવાસી વકીલ રોબિન જયસિંઘાણીએ કરેલી અરજીની સુનાવણી કોર્ટમાં આજે કરાઇ હતી. જયસિંઘાણીએ દાવો કર્યો હતો કે અૉથોરિટી રાતભર મેટ્રોના બાંધકામની કામગીરી કરે છે તેના કારણે સ્થાનિક રહેવાસીઓને અગવડ ભોગવવી પડે છે. 

એમએમઆરસીએલ તરફથી વકીલ કિરણ બાગલિયાએ કોર્ટને માહિતી આપી હતી કે કૉર્પોરેશને સંબંધિત અૉથોરિટીઓ પાસે રાત્રિના સમયે મેટ્રોના બાંધકામની મંજૂરી માગી છે, પરંતુ હજુ સુધી તે મળી નથી. તેથી રાત્રિના સમયે માત્ર કોક્રીટ ભરવાની કામગીરી જ કરવામાં આવે છે. જયસિંઘાણીએ દલીલ કરી હતી કે કોક્રીટ ભરવાનું કામ હેવી ટ્રક અને મશીનરીનાં માધ્યમથી થાય છે તેના કારણે વધુપડતો અવાજ થાય છે. કોર્ટના દિશા-નિર્દેશો પ્રમાણે રાતના દસથી સવારના છ વાગ્યા સુધી મોટા અવાજ પેદા કરતી કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે. 

કોર્ટે કહ્યું હતું કે આ બાબતે અમે મહારાષ્ટ્ર પ્રદૂષણ બોર્ડનું શું કહેવું છે એ પણ જાણવા માગીએ છીએ. જયસિંઘાણીએ અરજીમાં પોતાના ઘરની આસપાસ જ મેટ્રોના કામકાજના ભારે અવાજના કારણે તેમના પરિવારને થતી સતત તકલીફો બદલ રોજના દસ હજાર રૂપિયાનું વળતર પણ માગ્યું છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer